૨૦૦૧ના ધરતીકંપમાં આ ચબૂતરાનો ઘુમ્મટ તૂટી ગયો હતો. એ પછી તેને નવેસરથી ચણવામાં આવ્યો હતો. બાકીનો ભાગ જેમ હતો તેમ જ છે

અમદાવાદની ઘણી પોળ અને ઘણા પાડા અને વાડાનાં નામ એકમેકને મળતાં આવે છે. એવાં જ સરખો લાગતો નામવાળો બે વિસ્તાર એટલે વેરાઈ પાડાની પોળ અને વેરાઈ પોળ. એમાંથી વેરાઈ પાડાની પોળનો આ ચબૂતરો એટલે સો કરતાં વધુ વરસથી ઊભો અને કાળની થપાટ ખાઈખાઈને પણ ખુશનુમા લાગતો ચબૂતરો.

વેરાઈ માતાનું મંદિર આ પાડામાં આવેલું છે. પાડાના કૂવામાંથી માતાજીની મૂર્તિ પ્રગટ થઈ હતી. આ પરબડી (ચબૂતરાને ત્યારે પરબડી તરીકે સંબોધવામાં આવતા)નું નિર્માણ ચોકસી સોમચંદ પુરુષોત્તમનાં વિધવા ભૂરીબાઈએ કરાવ્યું હતું. તેવા મતલબની તકતી આ ચબૂતરા પર આજે પણ વાચવા મળે છે. મકાનોની વચ્ચે આવેલા આ ચબૂતરાની આસપાસ પચાસેક ઘર છે. એક જમાનામાં અહીં ૩૦૦ જેટલાં ઘર હતાં. આ ચબૂતરાની જાળવણીનું કામ વરસો સુધી માધવલાલભાઈ નામના મહારાજે સંભાળ્યું હતું. આજે પોળના રહેવાસીઓ સહિયારા ચણ-પાણીની જવાબદારી નિભાવે છે.

ક્યારેક પોળમાં જૈનો અને સ્વામિનારાયણ પરિવારો મોટી સંખ્યામાં વસતા હતા. આજે મારવાડી પરિવારો મોટી સંખ્યામાં છે. ૨૦૦૧ના ધરતીકંપમાં આ ચબૂતરાનો ઘુમ્મટ તૂટી ગયો હતો. એ પછી તેને નવેસરથી ચણવામાં આવ્યો હતો. બાકીનો ભાગ જેમ હતો તેમ જ છે. આશરે અઢીસો વરસ જૂની આ પોળના ચબૂતરામાં પક્ષીઓ ઓછાં આવે છે. વ્યવસ્થિત જાળવણી કરવાથી આ સ્થિતિને બદલાવી શકાય તેમ છે.

मैं पंछी जगत का, यह धरती गगन, यह संसार मेरा, ना सीमाओं का बंधन, ना किसी का पहरा…

સંદર્ભ:

કલ્પના જોશી લિખિત સંશોધનાત્મક પુસ્તક અમદાવાદની પોળોના ચબૂતરામાં પ્રસિદ્ધ લેખ. આ પુસ્તક સમસ્ત મહાજન સંસ્થા માટે, એના મેનેજિંગ ટ્ર્સ્ટી ગિરીશ શાહની પ્રેરણાથી સર્જાયું હતું.

Share.
Leave A Reply

Exit mobile version