ગુજરાત બજેટ ૨૦૨૫–૨૬ | વિશ્લેષણ

ગુજરાત જેવા રાજ્ય માટે બજેટ રજૂ કરવું નર્યા આંકડાઓનો વ્યાયામ નથી. એ રાજ્યની દિશા દર્શાવતો દસ્તાવેજ છે. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ હાલમાં રજૂ કરેલું Rs. ૩.૭૦ લાખ કરોડનું ૨૦૨૫-૨૬નું અંદાજપત્ર રાજ્યની નાણાકીય શિસ્ત અને મૂડીરોકાણલક્ષી અભિગમને સ્પષ્ટ કરે છે. અંદાજપત્રના દસ્તાવેજો કહે છે કે રાજ્યની રાજકોષીય ખાધ, જીએસડીપીના અંદાજ પ્રમાણે, બે ટકા સુધી નિયંત્રિત છે. મહેસૂલી પુરાંત ૦.૭% આસપાસ જળવાઈ રહેલી છે. આંકડા દર્શાવે છે કે ગુજરાતી આવક અને ખર્ચ વચ્ચેનું સરસ સંતુલન જાળવી રાખવા પ્રયત્નશીલ છે.

પરંતુ બજેટનું મૂલ્યાંકન માત્ર આંકડાઓથી થતું નથી. મહત્વનું છે કે સરકાર કઈ બાબતોને પ્રાથમિકતા આપે છે? કયા પ્રશ્નો વિશે મૌન રહે છે? ‘વિકસિત ગુજરાત’ અને ‘વિકસિત ભારત ૨૦૪૭’ની દિશામાં આ બજેટ સ્પષ્ટપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત વિકાસને મુખ્ય સાધન ગણે છે. રસ્તા, બંદરો, એરપોર્ટ્સ, મેટ્રો અને શહેરી વિકાસ, એ તમામ બજેટના કેન્દ્રમાં છે. વાત કરીએ મુખ્ય જાહેરાતોની… જે છે બજેટના વક્તવ્ય અને સંબંધિત દસ્તાવેજો આધારિત. 

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી

ઉત્તર ગુજરાતને પીપાવાવ બંદર સાથે જોડતો નમો શક્તિ એક્સપ્રેસ-વે અને અમદાવાદ-રાજકોટ-પોરબંદર મારફતે સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે જેવી યોજના રાજ્યના ઉત્તરથી દક્ષિણ સુધીના માલપરિવહનને ઝડપી બનાવવાનો સ્તુત્ય પ્રયાસ છે. ૧૨ રૂટમાં ૧,૩૬૭ કિમી લાંબા હાઈ સ્પીડ કોરિડોર માટે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે. દાહોદમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ તથા પોરબંદર, ભાવનગર અને સુરત એરપોર્ટના વિસ્તરણ માટે ફંડની જોગવાઈ કરવામાં આવી છે.

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ ટુ માટે Rs. ૨,૭૩૦ કરોડ ફાળવાયા છે. સુરત મેટ્રોનું કામ અડધાથી વધુ પૂર્ણ થયું હોવાનું જણાવાયું છે. અમદાવાદ, ગિફ્ટ સિટી અને ગાંધીનગરને જોડતા સાબરમતી રિવરફ્રન્ટ કોરિડોર માટે Rs. ૩૫૦ કરોડ તથા નવલખી અને મગદલ્લા બંદરો માટે Rs. ૨૫૦ કરોડની જોગવાઈ થઈ છે.

૨૦૨૫–૨૬ ‘શહેરી વિકાસ વર્ષ’

શહેરી વિકાસ માટેનું ફાળવણી ૪૦% વધારીને Rs. ૩૦,૩૨૫ કરોડ સુધી કરવામાં આવી છે. નવ નવી મહાનગરપાલિકાઓ માટે Rs. ૨,૩૦૦ કરોડ ફાળવાયા છે. ૬૯ નગરપાલિકાઓના પુનર્ગઠનની યોજના છે. દ્વારકા, પાલિતાણા, ચોટીલા, ડાકોર અને વડનગર જેવાં ધાર્મિક રીતે મહત્ત્વનાં શહેરોને વિશેષ ફંડ મળશે.

શિક્ષણઃ શિક્ષણ વિભાગ માટે Rs. ૫૯,૯૯૯ કરોડની સૌથી મોટી ફાળવણી નોંધપાત્ર છે. ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ જેવાં ક્ષેત્રો માટે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સ્થાપવાની જાહેરાત થઈ છે. ૮૧ લાખ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ તથા મધ્યાહ્ન ભોજન માટે કેન્દ્રિય રસોડાની વ્યવસ્થા માટે ફંડ ફાળવાયું છે.

કૃષિ અને ગ્રામ વિકાસઃ કૃષિ અને સિંચાઈ માટે Rs. ૨૨,૯૪૮ કરોડ ફાળવાયા છે. ખેતી માટે મશીનરીની સહાયાર્થે  Rs. ૮૦૦ કરોડ અને કૃષિ જમીન પર માછીમારી માટે નોન-એગ્રીકલ્ચર મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ એક બહુ જ અગત્યનું પગલું છે જેની સકારાત્મક, દૂરગામી અસર પડશે. 

સામાજિક કલ્યાણઃ વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ Rs. ૩૦,૧૨૧ કરોડની જોગવાઈ છે. વિકલાંગ સહાય માટેની પાત્રતા ૮૦%થી ૬૦% સુધી ઘટાડાઈ છે. પ્રધાનમંત્રી આવાસ સહાય Rs. ૧.૨ લાખથી વધારી Rs. ૧.૭ લાખ કરવામાં આવી છે.

કરવેરા અને ઉદ્યોગઃ રાજ્યમાં કોઈ નવો વેરો નહીં જાહેરત થયો. આ પરંપરા પાછલાં થોડાં અંદાજપત્રોથી ટકી રહી છે. મોટર વાહન કર ૬% રાખવામાં આવ્યો છે. ઈવી માટે રાહતો જાહેર થઈ છે. સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવામાં આવી છે. રાજ્યના વિકાસ માટે Rs. ૫૦,૦૦૦ કરોડના ‘વિકસિત ગુજરાત ફંડ’ તથા રિન્યુએબલ એનર્જી માટે Rs. ૧૨,૦૦૦ કરોડ ફાળવાયા છે.

બજેટ જ્યાં સફળ થાય છે

લોજિસ્ટિક્સ અને ઉદ્યોગ માટે વ્યૂહાત્મક પગલાંઃ નમો શક્તિ એક્સપ્રેસવે ઉત્તર ગુજરાતના કૃષિ વિસ્તારને બંદરો સાથે સીધો જોડે છે. લાંબા ગાળે આ નિર્ણય નિકાસ ઉદ્યોગ માટે ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

શહેરીકરણને સ્વીકારતી નીતિઃ ગુજરાત ઝડપથી શહેરી બની રહ્યું છે. શહેરી વિકાસમાં મોટો વધારો વાસ્તવિક જરૂરિયાતને માન્યતા આપે છે.

સામાજિક અસર ધરાવતા નાના સુધારાઃ વિકલાંગતા પાત્રતા ૬૦% કરવી નાણાકીય રીતે નાની, પરંતુ માનવતાવાદી રીતે મોટી નીતિ છે.

માછીમારી સુધારોઃ માછીમારી માટેની નિયમન છૂટ સમુદ્રકાંઠાના વિસ્તારોમાં રોજગાર વધારવામાં મદદરૂપ થઈ શકે છે.

જ્યાં બજેટ મૌન છે…

શિક્ષણનું વિસંગત પરિદૃશ્યઃ સોશિયો ઇકોનોમિક રિવ્યુ મુજબ ૨૦૧૯-૨૦માં ૪૫,૩૧૫ સરકારી પ્રાથમિક શાળાઓ હતી. ૨૦૨૩–૨૪માં એ ઘટીને ૪૪,૨૮૮ રહી છે. નોંધનીય છે કે શિક્ષણ પાછળનો ખર્ચ તો વધે છે પણ સરકારી શાળાઓની સંખ્યા ઘટી રહી છે. આ વિસંગતિ ધ્યાન ખેંચે છે અને ચિંતિત કરનારી પણ છે. 

આરોગ્ય ક્ષેત્રમાં અભાવઃ આરોગ્ય ક્ષેત્ર માટે કોઈ મોટી જાહેરાત નથી. આ પહેલનો અભાવ નોંધપાત્ર છે. નવી મેડિકલ કોલેજ અથવા જિલ્લા હોસ્પિટલ અપગ્રેડ જેવી જાહેરાતો પણ ગેરહાજર છે. ગુજરાતને સ્વાસ્થ્યક્ષેત્રે ક્રાંતિ કરવાની જરૂર રહી નથી?

રોજગારનો સીધો ઉલ્લેખ નથીઃ ઉદ્યોગ અને શિક્ષણ થકી રોજગારસર્જનની આશા છે, પરંતુ રોજગાર માપન માટે કોઈ સ્પષ્ટ માળખું દેખાતું નથી.

કૃષિ અને ક્લાઇમેટ પડકારઃ કૃષિમાં સબસિડી અને સિંચાઈ યથાવત્ છે છતાં, ક્લાઇમેટ રેસિલિયન્ટ ખેતી માટે સ્પષ્ટ રોડમેપ ગેરહાજર છે.

નાણાકીય દિશાઃ બજેટના દસ્તાવેજો અનુસાર મહેસૂલી પુરાંત ૦.૮%માંથી ૦.૭% પર પહોંચી છે. પ્રાથમિક ખાધ Rs. ૨૭,૧૯૭ કરોડ અને નેટ બોરોઇંગ Rs. ૫૫,૯૦૫ કરોડ છે. આ ચિંતાજનક ભલે નથી તો પણ ધ્યાનમાં બાબત અવશ્ય છે. 

આગળ શું?

૨૦૨૫-૨૬ માટે રાજ્યની જીએસડીપી Rs. ૨૯.૮૨ લાખ કરોડ અને પ્રતિવ્યક્તિ આવક Rs. ૩.૩૬ લાખ અંદાજવામાં છે. એ મજબૂત આંકડા છે.

આ બજેટ ‘ધ્રુવ’ પ્રકારનું છે, શિસ્તબદ્ધ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેન્દ્રિત અને લોભામણી જાહેરાતોથી દૂર છે. પરંતુ પ્રશ્ન છે કે શું એટલું હોવું અંદાજપત્ર માટે પૂરતું છે? શિક્ષણની ગુણવત્તા, જાહેર આરોગ્ય, રોજગાર પારદર્શિતા અને ગ્રામવિકાસ… આ ક્ષેત્રોમાં રાજ્ય પાસે વધુ મોટું પગલું ભરવાની ક્ષમતા ચોક્કસપણે છે. ‘વિકસિત ગુજરાત ૨૦૪૭’નું સપનું માત્ર રસ્તા અને બંદરો સુધી સીમિત નથી. એ માનવીય વિકાસ પર પણ એટલું જ નિર્ભર છે.

બસ, આશા સેવીએ કે રાજ્યને, મુખ્ય પ્રધાનને અને નાણાપ્રધાનને એનો પૂરેપૂરો ખ્યાલ છે. 

Subscribe Deshwale on YouTube

Join Our Whatsapp Group

Share.

Editor in Chief. CMD, Mangrol Multimedia Ltd.

Leave A Reply

Exit mobile version