ગ્લોબલાઇઝેશન યુગમાં ભારતના ઇતિહાસનું વર્તમાન ચિત્ર જોતાં થોડાઘણા પણ વિચારવંત લોકોના મનમાં બે સવાલો અવારનવાર ચમક્યા વગર નહીં રહેતા હોય. પહેલો સવાલ એ કે ધાર્મિક વિધિવિધાનો, પૂનર્જન્મ, કર્મના સિદ્ધાંત, વ્રતો, તહેવારો, રીતરિવાજો વગેરે બધું ભારતમાં જ કેમ છે? બીજો સવાલ એ છે કે પ્રાચીનકાળમાં ભવ્ય સંસ્કૃતિ અને સમૃદ્ધિ ધરાવતું હોવા છતાં આજે અવિકસિત દેશોમાં આપણું સ્થાન કેમ? જ્યારે પશ્ચિમના દેશો આટલા વિકસિત કેમ?

પહેલા સવાલનો વિચાર કરીએ તો આત્મા અને પરમાત્મા વિશેનું જેટલું ચિંતન ભારત ભૂમિ પર થયું છે એટલું બીજે ક્યાં થયું નથી. (જોકે હવે તેની શરૂઆત થઈ છે.) આ સાથે તેમને ઓળખવા અને પામવાના સાધન રૂપ શરીર અને મન વિશેની પૂર્ણ જાણકારી અને વિકાસ માટેના પ્રયોગો વિશાળ પાયે માત્ર આપણા દેશમાં જ થયાં હતાં. કેટલાય રીતરિવાજો અને વ્રતો ભારતના ભૌગોલિક સ્થાન અને આબોહવા તેમ જ ઋષિમુનિઓ અને પૂર્વજોના અનુભવથી મળેલ છે.

દાખલા તરીકે ભાદરવો કે શરદપૂનમનો સમય ભારતમાં ગરમીનો છે. આ સમયે ઠંડક આપતા દૂધપાક કે ખીર જેવા પદાર્થો ખોરાક માટે લેવાય તે એકદમ વૈજ્ઞાનિક છે પણ પશ્ચિમના તદ્દન ઠંડા પ્રદેશોમાં આ જ ખોરાક આ મહિનામાં ખાવો બિલકુલ જરૂરી ન પણ હોય. આ જ રીતે શ્રાવણ માસમાં કેવા કાર્ય કરવા, અધિક માસમાં કેવી રીતે વર્તવું, ગ્રહણ સમયે શું કરવું, ઉત્તરાયણ કેવી રીતે ઉજવવી, હોળી-દિવાળીમાં શું કરવું વગેરે ઋષિમુનિઓએ આપણા દેશની ઋતુ પ્રમાણે, સમય પ્રમાણે કયુ કાર્ય ક્યારે કરવું એનું વ્યવસ્થિત ટાઇમ ટેબલ ઘડી આપ્યું જેને તેમણે બહુ સરસ નામ આપ્યું ‘ઋતુચર્ચા.’ આમ આપણે ત્યાં રચાયેલા વાર-તહેવાર અને રિવાજો આપણી ઋતુચર્યા મુજબના હોય તે પશ્ચિમના દેશોની ઋતુને અનુકૂળ ન હોય તે દેખીતું છે. આ જ રીતે પહેરવેશની બાબતમાં પણ ભારત જેવા ગરમ પ્રદેશમાં ખૂલતાં વસ્ત્ર પહેરવાનો વર્ષોથી રિવાજ હોય તે વૈજ્ઞાનિક છે. કારણ કે સાડી, ધોતિયાં કે સલવાર કમીઝ ગરમ પ્રદેશ માટે ઉત્તમ છે. આનાથી ઉલટું ઠંડા પ્રદેશમાં પેન્ટ-શર્ટ જેવા ટાઇટ વસ્ત્ર તદ્દન સ્વાભાવિક છે. 

બીજી બાજુ, હાથ જોડી નમસ્કાર કરવા, દીવો પ્રગટાવવો, તિલક કરવું, ધૂપ-યજ્ઞ કરવા, લગ્ન વિધિ, શ્રાદ્ધ વગેરે સનાતન ક્રિયાઓ ઋષિમુનિઓની ઊંડી સમજ અને અનુભૂતિને આધારે જ રચાયેલી હતી. તેઓ માત્ર તન અને મનની જ નહીં, આત્માની સુખાકારી માટે પણ એટલો જ દ્રષ્ટિકોણ ધરાવતા હતા. પશ્ચિમમાં ન તો આ બાબતનો વિચાર-સંશોધન થયા કે ન કોઈ પૂરી સમજ પેદા થઈ હતી તેથી આપણા ધર્મની ક્રિયાઓ તેઓ ન સમજી શકે અથવા ન પાળે એ સ્વાભાવિક છે. છતાં ત્યાંના આધુનિક વિજ્ઞાને આપણા ધર્મના કેટલાક રીતરિવાજો કે તેમાં વપરાતી વસ્તુઓની સ્થૂળ યંત્રો વડે ચકાસવાની કોશીશ કરી છે તો ખરેખર તેમાં અત્યંત ઉપયોગી વૈજ્ઞાનિક ગુણધર્મ રહેલા માલૂમ પડ્યા છે તે આપણે આગળના પ્રકરણોમાં જોઈ ગયા. આવી જ રીતે આપણે ત્યાં પ્રચલિત યોગની સાર્થકતા વિદેશમાં વધુ સમજાઈ હોય એવું અત્યારે વાતાવરણ છે. આવી તો કેટલીય આપણા ધર્મની બાબતો જેને પશ્ચિમી વિજ્ઞાન ફક્ત શારીરિક ફાયદા સુધીનું જ મહત્ત્વ આપે છે. જ્યારે આપણે તે બાબતોમાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદા સુધીનું ઝીણું કાંત્યું છે.

હવે આપણે બીજા સવાલ વિશે વિચાર કરીએ તો પ્રાચીન ભવ્ય સંસ્કૃતિ રચવામાં અને તેને સમૃદ્ધ બનાવવામાં હજારો લાખો નામી-અનામી ઋષિમુનિઓએ સ્વાનુભૂતિ દ્વારા મેળવેલા જ્ઞાનનો ફાળો અમૂલ્ય હતો. તે જ્ઞાન ફક્ત પોતાને જ નહીં પણ સમગ્ર સમાજને કલ્યાણકારી બને તેવો જ તેમનો નિઃસ્વાર્થ હેતુ સમાયેલો હતો. એ કાળના મહાન પુરુષોએ પોતાના પુરુષાર્થ વડે પેઢી દર પેઢી જ્ઞાનથી પ્રગતિ સાધી એ કાળને ઇતિહાસમાં સુવર્ણકાળ બનાવી દીધો હતો. આ સુવર્ણકાળ કેવો હતો અને તેની અનેક સિદ્ધિઓમાંથી થોડી ઘણી વાતો આપણા શાસ્ત્રોમાંથી જાણવા મળે છે. જેમ કે કુંડલીની શક્તિ, અષ્ટસિદ્ધિની વાતો, રામાયણમાં આવતા પુષ્પક વિમાનની વાતો, દેવોને પૃથ્વી પર બોલાવી વરદાન પ્રાપ્ત કરવાની વાતો, નારદમુનિના આકાશગમનની વાતો કે પછી મહાભારતમાં કુંતીમાતાએ મંત્રશક્તિ દ્વારા પાંચ પાંડવને જન્માવ્યાની વાતો વગેરે.

આજના લોકોને તો આ વાતો માત્ર કપોળ કલ્પિત જ લાગે છે. કારણ કે એ સમયનું અમૂલ્ય જ્ઞાન જે પેઢી દર પેઢી ગુરુશિષ્યની પરંપરા દ્વારા સમાજમાં આવતું હતું તે કાળ ક્રમે ધીમે ધીમે કેટલાયે અવરોધોને લીધે ઓછું ને ઓછું થતું ગયું હતું. તે સમયમાં પણ એવા રાજાઓ થતાં હતાં જે ધર્મ અને સંસ્કૃતિની વિરુદ્ધ વિચાર ધારાવાળા હોય તેના કારણે પૂરા દેશ અને સમાજના લોકો પર અસર થતી હતી. દાખલા તરીકે તે સમયમાં પણ હિરણ્યકશ્યપ, રાવણ, કંસ, જરાસંઘ વગેરે જેવા અધર્મી થયા હતા. જોકે તેમની સામે ઈશ્વરના અંશ સમા શ્રીરામ, શ્રીકૃષ્ણ જેવા ધર્મરક્ષકોએ લડત ચલાવી હતી. આ ઉપરાંત છેલ્લાં ૮૦૦ વર્ષથી વિદેશી લોકોના આક્રમણોથી ગુરુશિષ્યની પરંપરાનો દોર સતત તૂટતો રહ્યો હતો. એમાં પણ અંગ્રેજોના આગમન પછી તો આપણી સંસ્કૃતિ અને શાસ્ત્રોનું જ્ઞાન નવી પેઢીને મળવાનું લગભગ નહીંવત્‌ જ થઈ ગયું હતું અને આ સમય દરમિયાન આપણે અંગ્રેજી ભાષા, અંગ્રેજોની રહેણીકરણી અને પશ્ચિમના વિજ્ઞાનથી એટલા બધા અંજાઈ ગયા તેમની દરેક બાબતો જે આપણા દેશ કે આપણને અનુકૂળ હોય કે ન હોય તો પણ આંખ મીચીને અનુકરણ કરવામાં જરા પણ પાછી પાની કરી નથી. વળી સર્વધર્મસમભાવની આપણી નીતિ પ્રાચીન વૈદિક ધર્મથી આજે હવે આપણી અને આપણા શાસ્ત્રોની માહિતી વચ્ચેની કડીઓ ખોવાઈ ગઈ છે. થોડીઘણી માહિતી છે પણ અનુભૂતિનું જ્ઞાન ખત્મ થઈ ગયું છે. પ્રાચીન ભવ્ય સંસ્કૃતિના ખંડેરોમાં બેસાડી આજની પેઢીને પશ્ચિમે આપેલા જ્ઞાનના પાઠ ભણાવી રહ્યા છીએ. તેથી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે નવી પેઢી પૂરી રીતે નથી ભારતીય સંસ્કૃતિને અપનાવી શકી નથી તો પશ્ચિમની સભ્યતાની સારી બાજુને ગ્રહણ કરી શકી!! 

હજી એક પ્રશ્ન ઉદ્ભવે છે કે પહેલાં સુવિકસિત અને જ્ઞાનની બાબતમાં પણ સમૃદ્ધ ગણાતા આપણા દેશમાં, પશ્ચિમના દેશો જેવી કોઈ શોધ કેમ નથી થઈ શકી? બધી શોધો ત્યાં જ કેમ થઈ છે?

માણસ માત્ર સુખ, શાંતિ અને સલામતીની હેતુ સાથે જ બધી ક્રિયાઓ અને શોધો કરે છે. સાચી શાંતિ, પરમાત્માને પામી લેવા માત્રથી જ મળી શકે છે તે ઋષિમુનિઓએ પોતાના તપોબળથી જાણી લીધું હતું. જીવનના મૂળ ધ્યેયનું જ્ઞાન સ્પષ્ટ થઈ જતાં તેમણે પરમાત્માના અંશ સમા શરીર, મન અને આત્માના વિકાસ પાછળ પોતાનો સમગ્ર પુરુષાર્થ અને જ્ઞાનને કામે લગાડી દીધું હતું. તેમણે જીવન જીવવા જે સુખ સુવિધાઓ માટે શોધ કરી તે પણ મનુષ્યના શરીર ઉપરાંત પ્રકૃતિ અને પર્યાવરણને કોઈ નુકસાન ન થાય તેવી હતી. પરમાત્માને પામવાના માર્ગમાં શરીર મન અને આત્માની અકલ્પ્ય શક્તિ દ્વારા અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ તે તો માત્ર બાય-પ્રોડક્ટ્સ હતી નહીં કે મેઈન-પ્રોડક્ટ્સ. આ શક્તિઓ દ્વારા તેમણે માત્ર પરમાત્માને પામવાના માર્ગમાં આવતી મુશ્કેલીઓ અને અવરોધોને દૂર કરવામાં જ વાપરવાનો ઉચ્ચ હેતુ રહ્યો હતો. આપણા અને પશ્ચિમના વિકાસમાં ફરક મોટો એ હતો કે આપણે મુખ્ય આંતરિક શક્તિઓનો વિકાસ કર્યો. જ્યારે તેમણે બાહ્ય જગતનો વિકાસ કર્યો. પોતાની જાતના વિકાસ વગર બાહ્ય પદાર્થોના યાંત્રિક વિકાસ એ તો માત્ર વિકાસનો ભ્રમ છે. તે સત્ય આપણા ઋષિઓ જાણતા હતા. આત્માની શક્તિ દ્વારા જ જો આકાશગમન વડે કોઈ પણ સ્થળે જઈ શકતા હોવ, કોઈપણ સ્થળને બેઠા બેઠા ધ્યાન વડે જોઈ શકતા હોવ કે કોઈપણ વ્યક્તિ સાથે સંદેશાની લેવડ દેવડ કરી શકતા હોવ તો શા માટે યાંત્રિક સાધનો બનાવવાની જરૂર પડે? છતાં ત્રિકાળજ્ઞાની જેવા ઋષિઓને આજના વિવિધ યંત્રોની બાબતમાં કંઈ જ્ઞાન ન હતું તેવું નથી પરંતુ ભૌતિક વસ્તુઓથી ગમે તેટલો વિકાસ કરો આખરે તે નાશવંત અને ક્ષણભંગુર છે જ્યારે આત્મિકવિકાસ શાશ્વત છે, તે બાબત ઋષિમુનિઓ સારી રીતે જાણતા હતા. આત્મિક શક્તિઓ તમને સ્વાવલંબી બનાવે છે જ્યારે યાંત્રિક સાધનો, આળસુ અને પરાવલંબી બનાવનારા છે. આવા યંત્રવાદનું લાંબાગાળે દુષ્પરિણામ આવશે તેની પણ તેમને જાણ હતી તેથી તેઓએ આ બાબતમાં દુર્લક્ષ સેવ્યું હતું.

યાંત્રિક શોધોએ આખરે તો જીવનની રહેણીકરણીને બદલીને લાંબેગાળે તો આધિ, વ્યાધિ અને ઉપાધિનો જ વિકાસ કર્યો છે. જ્યારે ધર્મનો વિકાસ મનુષ્યને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે.

જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.

Share.
Leave A Reply

Exit mobile version