રાજીવ રાય અને એ પહેલાં એમના પિતા ગુલશન રાય, બેઉએ બોલિવુડને એકએકથી ચડિયાતી સસ્પેન્સ થ્રિલર આપી છે. યાદી લાંબી છે. ‘ઝોરા’ની રજૂઆત સમયે ફિલ્મની વિતો પીરસતા જે પુસ્તિકા પત્રકારોને આપવામાં આવી એમાં પણ, ભૂતકાળની એ દરજ્જેદાર ફિલ્મોનાં નામ શાનદાર ઝળકી રહ્યાં હતાં. 1970ની ‘જોની મેરા નામ’થી લઈને ‘ગુપ્ત’ (1997) સુધીની ત્રિમૂર્તિ રાય પિતા-પુત્ર બેલડીની ભૂલી શકાય એમ નથી. રાજીવ રાય બેએક દાયકાથી બોલિવુડથી લગભગ અલિપ્ત રહ્યા છે. તેઓ ‘ઝોરા’ નામની પિલ્મ સાથે ફરી પ્રગટ થયા છે ત્યારે ઉત્સુકતા અને અપેક્ષાઓ સાથે એને જોવી જ પડે. બસ, મુશ્કેલી એ થઈ કે ‘ઝોરા’ જોઈને પ્રશ્ન થયો કે એમણે આખરે આ ફિલ્મ બનાવી શાને? આના કરતાં ક્યાંય વધુ અસરદાર, મનોરંજક ફિલ્મ બનાવવાની એમની હથોટી છે તો એ હથોટીનું શું થયું?
સમગ્રતયા રાજસ્થાનના ગુલાબી શહેર જયપુરમાં શૂટ થયેલી ‘ઝોરા’2003ની સાલમાં શરૂ થઈને વર્તમાનમાં પહોંચે છે. જયપુરમાં ઇમાનદાર પોલીસ અધિકારી વિરાટ સિંઘ (વિકાસ ગોસ્વામી) છે. નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડનો પર્દાફાશ કરતાં એની કરપીણ હત્યા થાય છે. વિરાટ સહિત અન્યોની હત્યા કરનાર ખૂની ઝોરા નામની સ્ત્રી છે. એનો ચહેરો કાં તો કોઈએ જોયો નથી કાં જેઓ જોઈ શક્યા તેઓ રામશરણ થયા જ થયા.
આજે વિરાટનો દીકરો રંજીત સિંઘ (રવિન્દર કુહાર) પોલીસ ઓફિસર છે. પિતા જાંબાઝ હતા તો દીકરો, સાથી અધિકારીઓની નજરે, બીકણ છે. ઇકબાલ શેખ (કરણ વીર) અને કમિશનર (તરુણ કુમાર ચૌહાણ)ની નજરે રંજીત કશાય કામનો નથી. બીજી તરફ શહેરમાં થતા ગુનાઓ સાથે એક પાસું સંકળાય છે. એ છે રીઢા, ખુંખાર ગુનેગારોને અજ્ઞાત વ્યક્તિના હાથે મળતી મોતની સજા. પોલીસ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં આ ગુનેગારોને એમના કરતૂતોની સજા કોઈક એવી વ્યક્તિ આપે છે જેનો એણસાર સુધ્ધાં મળતો નથી. એના કામમાં સફાઈ એટલી છે કે એ પોતાની પાછળ કોઈ કરતાં કોઈ પુરાવો પણ મૂકીને જતો નથી. તો, એ કોણ છે જે કાયદો પોતાના હાથમાં લઈને ગુનેગારોને એમના કર્યાની સજા આપે છે? અને પેલી ઝોરા, જેના છેડા આજે બે દાયકા પછી પણ અનેક ગુનાઓને સ્પર્શે છે એ કોણ છે?
ગુનેગાર કોણ અને એણે ગુનો કેવી રીતે આચર્યો એ હોય છે સસ્પેન્સ ફિલ્મની સૌથી આવશ્યક બાબત. ‘ઝોરા’માં મૂળ મુદ્દો છે કે અનેકની હત્યા કરતી ઝોરા કોણ છે? એ વાતનું જ્યારે પણ સ્પષ્ટીકરણ થાય છે, સસ્પેન્સ ઉઘાડું પડે છે ત્યારે, એ શક્યતા હતી જ કે, દર્શકો આભા થઈ જાય. શરત એટલી જ કે એ પહેલાં જે કથાનક વહે છે એમાં દમ હોત. બની શકે છે કે ‘ઝોરા’ના સબજેક્ટની જ્યારે પણ ચર્ચા થઈ હશે ત્યારે આ મુદ્દો જ ફિલ્મ બનાવવાને પ્રેરનારો મુદ્દો બન્યો હશે પણ એથી શું? એમાંનું કશું છેવટે તો પડદે પ્રચંડ તાકાત સાથે દેખાતું જ નથી!
પહેલી દ્રષ્ટિએ અને આટલું વાંચીને મજેદાર લાગતી આ કથામાં ત્રૂટિઓ અપરંપાર છે. એ અહીં વર્ણવવા કરતાં એ જાણવું જરૂરી છે કે શા માટે ‘ઝોરા’ રણકતા સર્જક રાજીવ રાયની સૌથી નબળી ફિલ્મ છે.
નંબર એક, આ ફિલ્મ કોઈ કરતાં કોઈ એન્ગલથી 2025ની ફિલ્મ નથી. બિલકુલ નથી. ઇન ફેક્ટ, એના કરતાં ક્યાંય સારી ફિલ્મો હવે દેશની પ્રાદેશિક ભાષાઓમાં અનેક સર્જકો બનાવી રહ્યા છે. ખિન્નતા એ વાતની પણ ખરી કે ‘ઝોરા’ 1990ના દાયકાની મોટાભાગની ભોજપુરી સહિતની ધડમાથાં વગરની ફિલ્મોને પણ સારી કહેવડાવે એટલી ઊતરતી કક્ષાની છે.
નંબર બે, કથાથી માંડીને કલાકારો, ટ્રીટમેન્ટથી માંડીને પાશ્ચાત્ય સંગીત, જે મોરચો કલ્પીએ એ તમામ મોરચે ફિલ્મ એના મેકરના પ્રભાવના પાંચ ટકા પણ નથી. આવું વાંચીને રખે માનશો કે આ લખનારને રાજીવ રાય સામે વાંધો છે. ના ભ’ઈ ના. વાત એનાથી સાવ ઊંધી છે. ના ભ’ઈ ના. વાત એનાથી સાવ ઊંધી છે. ‘ત્રિદેવ’, ‘વિશ્વાત્મા’, ‘મોહરા’ (સંદીપ જિંદાલ ઉર્ફે નસીરુદ્દીન શાહ જોઈ શકે છે એ ઝટકો યાદ છે?), ‘ગુપ્ત’ એ ફિલ્મો છે જેના માટે રાજીવ રાયને સદૈવ લોકપ્રેમ મળવાનો છે. આવા સર્જક ‘ઝોરા’ બનાવે ત્યારે સખેદ નોંધ લેવી પડે કે ક્યાંક ભયંકર કાચું કપાયું છે.
નંબર ત્રણ, ફિલ્મ ગમે તે પ્રકારની હોય એને જીવંત અને ઝમકદાર બનાવવાનું કામ પાર પાડવામાં સ્ક્રિપ્ટ પાયાનું કામ કરે છે. ‘ઝોરા’ એ મામલે અનહદ નબળી છે. રાય અને રાશીદ રંગરેઝે આ ફિલ્મ લખવાની જવાબદારી પાર પાડી છે. એમાં ક્ષતિઓ કેટલી છે એ પ્રશ્ન જ અસ્થાને છે કારણ એમાં ક્ષતિઓ સિવાય ભાગ્યે જ કશું છે.
નંબર ચાર, કલાકારો. આખી ફિલ્મમાં એક પણ જાણીતો ચહેરો નથી. લીડ આર્ટિસ્ટ હોય તે સહાયક કલાકારો, તમામ એવા છે જેમનાથી દર્શકો લગભગ અપરિચિત છે. એમાં વાંધો ના હોઈ શકે. ફિલ્મજગતમાં નવોદિતો અને ઓછા જાણીતા કલાકારો સાથે અનેક ફિલ્મો આવી અને છવાઈ પણ છે. મુશ્કેલી એ છે કે ‘ઝોરા’ના લગભગ તમામ કલાકારો નબળા છે અથવા, નબળી પટકથા અને નબળા મેકિંગથી તેઓ વધુ નબળા લાગી રહ્યા છે.
નંબર પાંચ, મેકિંગ પણ મોટી તકલીફ છે. સાવ ઓછા ખર્ચમાં (જાણકારી મુજબ ફિલ્મ બેએક કરોડમાં બની છે) બનેલી આ ફિલ્મમાં પડદે પાવર પ્રદર્શિત કરવાના મામલે ભયંકર સમાધાન દ્રષ્ટિગોચર થયા વિના રહેતા નથી.
નંબર છ, ફિલ્મ દરેક મોરચે જમાના કરતાં વીસ-ત્રીસ વરસ પાછળ છે. એનો વાંધો ત્યારે ના લઈ શકાત જ્યારે ફિલ્મ એના મકસદમાં સફળ થાત, એની પાછળ બે-અઢી કલાકની આહૂતિ આપનારના ભોગને સાર્થક ઠરાવત. એની બદલે ફિલ્મ એવી પોતાની દુનિયામાં અટવાય છે કે ના પૂછો વાત. એમાંથી એ ધરાર બહાર આવતી નથી અને છેલ્લે, બે જણનો ભોગ લેવાય છે. ફિલ્મનો પોતાનો અને દર્શકોનો.
નંબર સાત, ફિલ્મનું એકમાત્ર ગીત (બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ, જે વીજુ શાહનાં છે) પણ જમાના કરતાં પાછળનું છે. પલક મુછલ જેવી લોકપ્રિય ગાયિકાના કંઠ છતાં આ ગીત હૈયે પહોંચતું નથી. કાશ, રાયની પાછલી ફિલ્મોની જેમ ‘ઝોરા’માં સંગીતે સબળ સાથ આપ્યો હોત. એની બદલે શાહ-રાયનાં સફળ ગીતો (તું ચીઝ બડી હૈ મસ્ત મસ્ત)થી અતિશય પ્રેરિત આ ગીતના શબ્દો પણ સરેરાશ છે.
નંબર આઠ, દિગ્દર્શન ક્યાં છે? માનો કે ના માનો પણ ‘ઝોરા’ રાજીવ રાયે દિગ્દર્શિત કરી હોય એવું માનવા એના ચાહકોનાં મન બિલકુલ તૈયાર નહીં થાય. અને કેમ નહીં? એમની અસફળ કે સામાન્ય રહેનારી ફિલ્મો (પ્યાર ઇશ્ક ઔર મોહબ્બત, અસંભવ) પણ આના કરતાં ક્યાંય વધુ ગુણવત્તાસભર હતી. સવાલ જ નથી.
‘ઝોરા’ ક્યાં ક્યાં ઓછી પડે છે એની યાદી અહીં અટકાવીએ. એટલું જાણી લઈએ કે રાજીવ રાય ધારે તો આજે પણ, નિઃશકપણે અદભુત, સુપર એન્ટરટેઇનર ફિલ્મ બનાવી જ શકે છે. એમની પાસે કૌવત છે, અનુભવ છે, સંપર્કો છે, સંપત્તિ પણ છે. એમણે નબળી ફિલ્મ બનાવવાની જરૂર નથી. બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં અને જ્યારે તેઓ ચોટલી વાળીને નિર્ણય લેશે ત્યારે તેઓ ખરેખર દરજ્જેદાર ફિલ્મ (કદાચ ડાબા હાથે) બનાવી જ શકશે. એમણે બસ એટલો નિર્ધાર કરવાનો છે કે હવે પછી ક્યારેય ‘ઝોરા’ બનાવવી નથી. ભલે એ પહેલાં ઝોરાની સિક્વલ ‘ઝોરા ઝોરાવર’ (જેની જાહેરાત આ ફિલ્મના અંતમાં કરવામાં આવી છે) ભલે આવે અને ઈશ્વર કરે, એ સફળ થાય.
રેટિંગઃ *

