એક જીવનમાં અનેક જીવન માણ્યાનો આનંદ તો અવિનાશભાઈ જેવો મળે તો ક્યા બાત! સંતોષ હોય તો પ્રગતિ રુંધાય એ તેમની સરળ વાત. એટલે તો જીવનમાં લગાતાર ઉદ્યમ કરતાં તેઓ બખૂબી સિદ્ધિઓ સર કરતા રહ્યા છે
અવિનાશભાઈની એક ચોટદાર વાત આ રહી, “જ્ઞાનનું વર્તુળ એટલું અદ્ભુત છે કે ના પૂછો વાત. એ પ્રકાશમય વર્તુળની આજુબાજુ એનાથી મોટું અજ્ઞાનનું વર્તુળ હોવાનું. જેટલું વધારે જાણો એટલું વધારે વિસ્મય થાય કે આપણે કેટલું ઓછું જાણીએ છીએ.” બીજી આ રહી, “પ્રગતિ શક્ય છે પરસ્પર વ્યવહારથી અને વ્યવહાર શક્ય છે વિશ્વાસથી. આપણે અન્યો પર ત્યાં સુધી વિશ્વાસ મૂકવો રહ્યો જ્યાં સુધી સામી વ્યક્તિ વિશ્વાસને અપાત્ર ના પુરવાર થાય.” અવિનાશ ભોગીલાલ પારેખ એવા સાક્ષર અને નીતિવાન શિક્ષક પિતાના દીકરા જેમણે વતન અમરેલીના ટાવરને ગૌરવાન્વિત કરતી સિદ્ધિઓ મેળવી છે.
તેમનાં માતા ભગીરથીબહેન. જન્મ ૧૯૪૯માં મુંબઈમાં. ઘરમાં બે મોટા ભાઈ, ગુણવંતભાઈ, કિરીટભાઈ અને નાની બહેન વર્ષા. સંતાનોને પિતાએ શિસ્ત અને શિક્ષણના પદાર્થપાઠ શીખવ્યા. અમરેલીથી આવીને પારેખ પરિવાર શરૂઆતમાં મલાડમાં રહ્યો. અવિનાશભાઈ મલાડની એન. એલ. હાઈસ્કૂલ અને એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણ્યા. વીજેટીઆઈમાંથી એન્જિનિયર થયા. પ્રેક્ટિસિંગ આર્કિટેક્ટ અને પછી સ્ટ્રક્ચરલ એન્જિનિયર તરીકે કારકિર્દીના મોરચે પોતાને પ્રસ્થાપિત કર્યા. પહેલી ફર્મ ઇન્ટિગ્રેટેડ ડિઝાઇન કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડની વાત કરતાં તેઓ સ્મરે છે, “એમાં સાઠેક એન્જિનિયર્સ મારા હાથ નીચે પણ સૌથી નાનો હું. એટલે નંબર વગરનાં ચશ્માં પહેરીને અનુભવી અને સિનિયર દેખાવાનો પ્રયત્ન કરતો. હું લક્ષ્ય પહેલાં ઠરાવતો, પછી કામ શરૂ કરતો.” ખૂબ નાની છતાં અગત્યની આ વાત જણાવે છે કે ઊંચા નિશાનનું મહાત્મ્ય કેટલું છે.
જાતમાં વિશ્વાસ અને વ્યવહારમાં પ્રામાણિકતા અને પારદર્શિતા હોય તો બધું થાય એ તેમનો જીવનમંત્ર. તેઓ કહે છે, “બિઝનેસ મીટિંગ્સમાં કુલ દસ મિનિટ હોય તો આઠ મિનિટ સામી વ્યક્તિને સમજવામાં ફાળવું અને બે મિનિટ મારી વાત સમજાવવા માટે ફાળવું.” એક અનુભવને વાગોળતાં તેઓ એક ઉદ્યોગપતિ પાસેથી શીખેલો અનન્ય પાઠ વાગોળે છે, “એક ફેક્ટરીનું સ્ટ્રક્ચર પડ્યા પછી તેને નવેસરથી ઊભું કરવા, ડિઝાઇન અને પ્લાન બતાવવાનો પડકાર મને મળ્યો. મીટિંગમાં ચર્ચા ચાલી. કેન્દ્રસ્થાને મુદ્દો હતો સ્ટ્રક્ચર કેમ કરતાં પડ્યું. ઉદ્યોગપતિએ સૌને એક મિનિટમાં મૌન કરી દેતાં કહ્યું કે સ્ટ્રક્ચર પડવાનાં કારણો કરતાં પહેલાં તેને ફરી ઊભું કરવા પર ધ્યાન આપો. ચડતી-પડતીનો ઉકેલ લાવવાનો જાણે એ સાર હતો.”
બારેક વરસ આર્કિટેક્ટ તરીકેની સફળ ગાથા સર્જવા સાથે અવિનાશભાઈની ફર્મ છ શહેરમાં શાખા સાથે ટોચે પહોંચી. જોકે સ્વભાવે તેઓ જોખમ ખેડનારા તેથી નવાં શિખરો આંબવાની મહત્ત્વાકાંક્ષા પ્રબળ. તેથી આર્કિટેક્ચર ફર્મ પછી સુપર કન્સલ્ટન્ટ (એટલે કન્સલ્ટન્ટને કન્સલ્ટન્સી સેવા આપનારી ફર્મ), અભિયાન જૂથ જેવું મીડિયા ક્ષેત્રનું યાદગાર સાહસ, કેમિકલ ઉદ્યોગમાં, બેન્કિંગ… અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે સફળતા.
અભિયાન સ્થાપવાનો કિસ્સો મજાનો હતો. કાંદિવલી આવ્યા પછી અવિનાશભાઈ બીએમસી ઓફિસે કામકાજ માટે ઘણીવાર ટ્રેનમાં મુંબઈ જતા. તેમાં જાણીતા પત્રકાર કાન્તિ ભટ્ટ પણ પ્રવાસ કરે. બેઉનો પરિચય થયો. વળી, બીએમસી ઓફિસે બપોરે બેથી ચાર નવરાશ મળે. અવિનાશભાઈ સમય પસાર કરવા સામે પ્રેસ ક્લબમાં પહોંચી જાય. તેનાથી અનેક પત્રકારો સાથે પરિચય થયો. કાન્તિભાઈએ એકવાર અવિનાશભાઈને જણાવ્યું કે મારે હાલના પ્રકાશનને છોડીને કંઈક નવું કરવું છે. એમાંથી જન્મ થયો અભિયાન ગ્રુપનો, જેને આજે પણ ગુજરાતી પત્રકારત્વમાં એક સીમાચિહ્ન ગણવામાં આવે છે. પત્રકારોને શ્રેષ્ઠ પરફોર્મન્સ કરવા મોકળું મેદાન આપનારું, પત્રકારત્વના સ્તરને નવી ઊંચાઈએ લઈ જનારું તેમ જ, અનેક પત્રકારોને ઘડનારું આવું કોઈ જૂથ ગુજરાતી ભાષાએ જવલ્લે જોયું છે. અભિયાનના સંચાલનમાં અવિનાશભાઈનો હસ્તક્ષેપ ભાગ્યે જ હતો. તેઓ ખૂબ અગત્યની વાત કરે છે, “ભલે આપણે કશુંક સર્જીએ ત્યારે કેન્દ્રસ્થાને હોઈએ પણ જરૂરી છે કે યોગ્ય સમયે કેન્દ્રસ્થાનેથી ખસી જઈએ. ત્યારે કર્યું સાર્થક થાય અને કરનારા ઉત્તમ દેખાવ કરે.”
પત્રકારત્વની દુનિયામાં વિરાટ પગલું ઉઠાવવાના મૂળમાં અવિનાશભાઈનો સાહિત્યપ્રેમ પણ હતો. ત્રીસીમાં પ્રવેશ્યા ત્યારથી તેઓ દૂરદર્શન, આકાશવાણીના કાર્યક્રમોમાં સંચાલક તરીકે પ્રવૃત્ત હતા. એમાં માનધન મળતું સવાસો અને ખર્ચ થતો બે હજાર રૂપિયાનો. ગમતા વિશ્વમાં વિહરવા અવિનાશભાઈ એ ખર્ચને ખમતા નહીં પણ માણતા. પછી અનન્ય કાર્યક્રમો યોજતી સાહિત્યલક્ષી કોફી મેટ્સ સિરીઝ અને અઋણાનુબંધ, અદ્વૈત સહિતનાં કાવ્યસંગ્રહોનું સર્જન. અઋણાનુબંધને મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય અકાદમીએ વર્ષના સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહ તરીકે પ્રથમ પારિતોષિકથી બિરદાવ્યો હતો. એમનાં ગીતોના આલબમ ગીતપંચમી અને ગીત ગમતીલાં બહુ લોકપ્રિય થયાં. ત્રીજું આલબમ ગીત સુરીલાં પણ આવવાને છે. એમણે સંકલિત કરેલાં છ પુસ્તકો પણ યશસ્વી રહ્યાં. અવિનાશભાઈ સ્વીકારે છે કે “મારા સ્વભાવમાં અજંપો મોટો ભાગ ભજવે છે. એને કારણે એક ક્ષેત્રમાં ન રહેતાં જુદા જુદા ક્ષેત્રમાં મારાથી સફળ પ્રદાન થઈ શક્યું.”
પારિવારિક જીવન તરફ વળીએ. તેઓ કહે છે, “બહુ પહેલાં મેં વિચારી રાખ્યું હતું કે ત્રેવીસ વરસે લગ્ન કરવાં, ચોવીસ વરસ પિતા બનવું અને પિસ્તાલીસ વરસે નિવૃત્ત થઈ જવું.” પહેલી બે ઇચ્છા સમયસર પૂરી થઈ. જિંદગીએ નિવૃત્તિની ઇચ્છા પર આજ સુધી અલ્પવિરામ ટપકાવી રાખ્યું છે. અવિનાશભાઈએ ૧૯૭૨માં, ૨૩ વરસની વયે પ્રમિલાબહેન સાથે લગ્ન કર્યાં. તેમને ત્રણ સંતાનો, નેહલ, જેસલ અને સિદ્ધાર્થ. દીકરી નેહલ ઓસ્ટ્રેલિયાના પર્થમાં તો સિદ્ધાર્થ મેલબર્ન છે. જેસલ છે અમેરિકાના ડલાસમાં. યોગાનુયોગ એ કે ત્રણેય સંતાનોના જીવનસાથી અવિનાશભાઈના મિત્રોનાં સંતાન છે. “મારા જીવનનો એક અફસોસ, સંતાનોના ઉછેર અને વિકાસ માટે મહત્ત્વનો સમય આપી શક્યો નહીં એ છે. પ્રમિલાએ પોતાની કોઠાસૂઝ, હૂંફ અને અંતઃસ્ફુરણાથી અનેક પરિસ્થિતિમાં જીવનનૌકા પાર ઉતારી છે.” માબાપ સંતાનોને જે શીખવી શકે એ સર્વોત્તમ વાત કઈ?” એમને કહેવાનું કે તમારી જાતને ખાતરી કરાવો કે તમે જે કરવા ચાહો છો તે સારું, સાચું અને સૌને લાભકર્તા છે. તેમને સમજાવો કે કોઈનાય, માબાપના પણ પ્રભાવમાં આવ્યા વિના વિશ્વાસપૂર્વક, નીતિમાર્ગે આગળ વધો. પિતા તરીકે પોતાના પૂર્વગ્રહોને આપણે અનુભવોનું રૂપાળું નામ આપીને બાળકોના માથે થોપવા નહીં. અનુભૂતિ પહેલાં અભિવ્યક્તિ થવો જોઈએ. બાળક સાથે તેમને બાળક ગણીને નહીં પણ સમકક્ષ ગણીને તર્કબદ્ધ રીતે વર્તવું એ આપણા આનંદ અને તેમના વિકાસની મૂળભૂત આવશ્યકતા છે.”
૨૦૦૪માં અવિનાશભાઈએ મુંબઈ યુનિવર્સિટીમાં વૈષ્ણવ ચેર સ્થાપી એ ગૌરવની ઘટના. યુનિવર્સિટીના પ્રશ્નો, નાણાંની જોગવાઈથી લઈ વિદ્યાર્થી કેમ જોડાશે, દરેક મુદાનું નિવારણ કરીને તેમણે વિશ્વમાં સર્વપ્રથમ વૈષ્ણવ તત્ત્વદર્શન આધારિત વિવિધ અભ્યાસક્રમ ત્યાં શરૂ કરાવ્યા. એક હવેલીનું પણ લોકાર્પણ કર્યું છે. કપોળ હોવા વિશે તેઓ કહે છે, “કપોળ હોવાનાં જે વાઇબ્રેશન્સ થાય એ જિંદગી. પોતાના ગામ, જ્ઞાતિ, દેશ, પોતાની વિચારધારા માટે ગૌરવ અનુભવવું એ જિંદગી. મારે એવી એક કપોળ સેન્ટ્રલ બોડી સર્જવી છે જે સૌને સંગઠિત કરે. એવો દિવસ લાવવો છે કે દસ વરસે આર્થિક મદદ મળે છતાં કોઈ કપોળ દાન લેવા આવે નહીં એટલી સૌની આર્થિક સુરક્ષિતતા હોય.”
જીવનમાં અજાતશત્રુ રહેલા અવિનાશભાઈ કોને શત્રુ માને છે?” મારો શત્રુ મારો સ્વભાવ છે જે લક્ષ્યથી મારું ધ્યાન વિચલિત કરાવી શકે.” છેલ્લી અને મનનીય વાત આ, “ભગવાને પીઠમાં આંખો નથી આપી. સરસ જીવવા માટે ભૂતકાળ ડહોળવા કરતાં ભવિષ્ય તરફ જુઓ. યાદ રહેઃ મેં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા…”
ભલે આપણે કશુંક સર્જીએ ત્યારે કેન્દ્રસ્થાને હોઈએ પણ જરૂરી છે કે યોગ્ય સમયે કેન્દ્રસ્થાનેથી ખસી જઈએ.
ત્યારે કર્યું સાર્થક થાય અને કરનારા ઉત્તમ દેખાવ કરે.
સંજય શાહ લિખિત ગુજરાતી પુસ્તક ‘અમે કપોળ’ માટે લીધેલી મહાનુભાવોની મુલાકાતોમાંની આ એક છે. આવી અન્ય મુલાકાતો વાંચવા આ શ્રેણી નિયમિત તપાસતા રહો.
