મહારાષ્ટ્રની રાજનીતિના અટપટા ગણિતમાં અજિત અનંતરાવ પવાર જેટલા અનિવાર્ય, વિવાદાસ્પદ અને અકલ્પનીય હદે અસરકારક રાજકારણીઓ ઓછા જોવા મળ્યા છે. બુધવારે સવારે બારામતી એરપોર્ટ નજીક તેમનું ચાર્ટર્ડ લિયરજેટ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના સમાચાર સાથે રાજ્યમાં જાણે ધરતીકંપ આવ્યો. વિમાનમાં સવાર પાંચેય લોકોનાં મૃત્યુ થયા એ વાત વાયુવેગે પર્સરી ગઈ. એ સાથે દુઃખની લહેરો સાથે સર્વત્ર અવિશ્વાસ પણ પ્રસરી ગયો. આ રીતે અજિતદાદા ના જઈ શકે, ક્યારેય નહીં, એવી લાગણી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. તત્ક્ષણ જાણે મંત્રાલયમાં ફાઇલો અટકી પડી. તમામ પક્ષોના કાર્યાલયોમાં ફોન વાગતા રહ્યા, પશ્ચિમ મહારાષ્ટ્રમાં તો પહેલી પ્રતિક્રિયા આઘાતની નહીં પરંતુ સૌને અસ્વસ્થ બનાવતી, ચીરી નાખતી શાંતિની ફેલાઈ ગઈ. 

અજિતદાદા નથી રહ્યા. તેઓ સરકારોને જોડીને રાખનાર માણસ હતા. તેઓ બળવો ઓગાળી નાખનાર હતા. અને એ જાણનારા દક્ષ રાજકારણી હતા અને એ જાણનારા હતા કે રાજકીય તાકાત ખરેખર ક્યાં હોય છે. 

અજિતદાદાની આકસ્મિક વિદાય સાથે મહારાષ્ટ્રએ પોતાનો એક સૌથી વિશ્વસનીય તજજ્ઞ ગુમાવ્યો છે.  એમણે ઊભું કરેલું અસરદાર એન્જિન એકાએક ડચકાં ખાતું ભાસી રહ્યું છે. 

છેલ્લા ત્રણ દાયકામાં મહારાષ્ટ્ર રાજકારણના સૌથી અસાધારણ તબક્કામાંથી પસાર થયું છે. ગઠબંધનોની સ્થિરતા, વૈચારિક ઉથલપાથલ. જોડતોડ, વિશ્વાસઘાત અને પુનર્મિલન, કેટલીયે બાબતો રાજ્યએ આ અરસામાં નિહાળી છે. 2019ની સંગીતખુરશી અને 2022ની નિયંત્રિત અરાજકતા પણ એમાં સામેલ છે. બધાં વચ્ચે જે અચળ અને અનિવાર્ય પાસું રહ્યું એ હતું અજિતદાદા. 

પણ પરિસ્થિતિના નૈતિક દિશાસૂચક તરીકે નહીં, જન આંદોલનના નેતા તરીકે પણ નહીં. તેઓ એક અસરકારક, ધારદાર સંચાલક તરીકે સામે આવ્યા. અજિતદાદા ક્યારેય પ્રજાને આભા કરનારા કે ઉશ્કેરનારા વક્તા નહોતા. તેઓએ ક્યારેય વિચારધારાની પવિત્રતાનો દાવો પણ કર્યો નહોતો. ઇન ફેક્ટ, આવાં વક્તવ્યો કે ખુલાસા કરવામાં તેઓ માનતા નહોતા. તેઓ માનતા હતા લક્ષ્યપ્રાપ્તિમાં. તેઓ સમજતા હતા માથે લીધેલી જવાબદારીને નિભાવવામાં. પોતે કરેલાં કામ વિશે તેઓ ઢંઢેરો પીટતા નહીં. કામ ઓછું કર્યું કે વધારે કર્યું એ વિશે પણ તેઓ કોઈ સમક્ષ સફાઈ આપતા નહીં. 

કારણ? કદાચ અજિત પવારને વહેલું સમજાઈ ગયું હતું કે મહારાષ્ટ્રમાં શાસન મંચબાજી કે નારાબાજીથી નહીં, તંત્ર થકી ચાલે છે. એ તંત્રનું કેન્દ્ર મુંબઈમાં ભલે લાગતું હોય પણ એ કાયમ અંતરિયાળ વિસ્તારોમાં રહ્યું છે એ અજિતદાદા સૌથી સારી રીતે જાણતા હતા. તેથી જ, સહકારી સંસ્થાઓ. જિલ્લા બેન્ક્સ, સિંચાઈ સંબંધિત ફાઇલ્સ અને નિર્ણયો તથા શાસકીય આટાપાટા પર તેઓની બાજનજર રહેતી. તેઓ જાહેર સભામાં ગાજવામાં નહીં પણ ચાવીરૂપ માણસો સાથે અંગત ફોન કરીને સંભાષણ કરીને નિવારણ શોધવામાં દ્રઢપણે માનતા હતા. 

અજિત પવારનો જન્મ 22 જુલાઈ 1959ના રોજ દેવલાલી પ્રવરામાં થયો હતો. એમનું જન્મસ્થાન અહમદનગર જિલ્લામાં જે હવે અહિલ્યાનગર છે. કાકા શરદ પવારની છત્રછાયામાં તેઓ ઉછર્યા. મહારાષ્ટ્રમાં તેમનો પરિવાર રાજકીય રીતે એક સૌથી વગદાર ગણાય પણ અજિતદાદાને મળેલું સ્થાન ચાંદીની તાસક પર મળ્યું નહોતું. 

પિતાના વહેલા અવસાન બાદ અજિતે કોલેજ છોડવી પડી હતી. એ નિર્ણય વ્યવહારુ હતો પણ ભાવુક બિલકુલ નહોતો. આ નિર્ણયે તેમને પ્રારંભિકકાળમાં બરાબર ઘડ્યા. કદાચ તેઓ આદર્શવાદ પ્રત્યે શંકાસ્પદ રહ્યા અને સદૈવ પરિણામો વિશે વિચારનારા બની રહ્યા. 

સૌ જાણે છે કે અનેક વરસોથી શરદ પવાર રાષ્ટ્રીય રાજકારણના એક સૌથી કાબેલ વ્યૂહરચનાકાર છે. અજિતદાદાની મહારાષ્ટ્રમાં ઉપસ્થિતિએ સિનિયર પવારને દિલ્હીના રાજકારણ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકવાને સમર્થતા આપી. કારણ ગૃહરાજ્યના રાજકારણમાં અજિતદાદા ચાંપતી નજર અને અસરકારક પગલાં લઈને બાજી સંભાળી રહ્યા હતા. પોતાની કાબેલિયતથી અજિતદાદાએ રાજ્યમાં આગવું મશીન ઊભું કર્યું. એના થકી તેઓ વિશ્વસનીય અને ખંતીલા આગેવાન પુરવાર થયા. અજિતદાદા વિના કદાચ શરદ પવાર દિલ્હીમાં આટલી દર્શનીય રીતે કામ કરી શક્યા હોત કે કેમ એ એક પ્રશ્ન છે. 

પવાર પરિવારના રાજકીય મૂળિયાં સહકારી આંદોલનમાં ઊંડે વસેલી છે. ખાંડ કારખાનાં. દૂધ ઉત્પાદક સંઘો. ક્રેડિટ સોસાયટીઝ. જિલ્લા બેન્ક્સ… અજિતદાદાએ આ સંસ્થાઓ પર ઉત્તમ કાબૂ વારસામાં મેળવ્યો નહોતો. તેઓએ એની આંટીઘૂંટી જાતે જાણી, શીખી અને અમલમાં મૂકી હતી. 1980ના દાયકાનાં શરૂઆતનાં વરસોમાં તેઓ ખાંડ કારખાનાના બોર્ડ પર આવ્યા. પછી 16 વરસ સુધી પુણે જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના અધ્યક્ષપદે રહ્યા. આ પદો શોભાના ગાંઠિયા જેવા નહોતા. પશ્ચિમ મહારાષ્ટ્રમાં સહકાર એટલે જ શક્તિ. માનવીય, લાગણીલક્ષી અને આર્થિક તાકાતનાં કેન્દ્રો આ સંસ્થાઓ રહી છે. અજિતદાદાએ આ મૂળભૂત સત્ય બરાબર સમજ્યું હતું. તેથી તેઓએ એમને પોતાના ગઢ બનાવ્યા અને સુનિશ્ચિત કર્યું કે એના થકી લોકકાર્યો થવા સાથે રાજકીય કડપ પણ બની રહે. પરિણામ સુસ્પષ્ટ અને અજિતાદાદાની, એમના પક્ષની તરફેણમાં રહ્યું, વરસો સુધી. 

1991માં શરદ પવારે રક્ષાપ્રધાન બનવા બારામતી બેઠક ખાલી કરી. એ સાથે અજિતદાદા ત્યાંથી પેટાચૂંટણી જીતીને વિધાનસભામાં પ્રવેશ્યા. ત્યારની ઘડી ને એમના અકાળે અવસાન સુધી તેઓ એ બેઠક પર ક્યારેય પરાજિત નહીં થયા. સાત વખત તેઓ વિધાનસભાની એ બેઠક જીત્યા. બારામતી અને, પહેલાં શરદ પવાર અને પછી અજિતદાદા, એકમેકના સમાનાર્થી બની રહ્યા. તેઓએ વારસામાં મળેલી બેઠકને પ્રયોગશાળા ગણીને એના થકી મહત્તમ તાકાત અર્જિત કરી. 

તેમના નેતૃત્વ હેઠળ સિંચાઈ યોજનાઓ, ખાંડ કારખાનાં, શાળાઓ, રસ્તાઓ, પ્રશાસનિક પહોંચ, બધું કેન્દ્રિત થયું. એમના લીધે બારામતી મહારાષ્ટ્રના રાજકારણમાં એક ઉદાહરણ સાબિત થયું. કેન્દ્રિત શક્તિ શું કરી શકે તે આ બેઠકે, અજિતદાદાના માધ્યમથી, સાબિત કર્યું. કદાચ એટલે જ આ બેઠક અને અજિતદાદા સમગ્ર મહારાષ્ટ્રમાં ઈર્ષ્યા અને અસંતોષનું કારણ પણ બન્યાં.

1999થી 2010 સુધીનો સમયગાળો અહીં નોંધવો રહ્યો. એ સમયગાળામાં અજિતદાદા સિંચાઈ પ્રધાન રહ્યા. એ સમય તેમની રાજકીય કારકિર્દીનો સૌથી અસરકારક અને વિવાદાસ્પદ સમય પણ રહ્યો. અંતરિયાળ મહારાષ્ટ્રમાં પાણી નીતિનો વિષય નહીં પણ જીવન-મરણનો પ્રશ્ન છે. જે સિંચાઈ કાબૂમાં રાખે તે રાજકારણ પણ આડકતરી રીતે કાબૂમાં રાખે એ સાફ ચિત્ર રહ્યું છે.

અજિતદાદાના વડપણમાં અનેક યોજનાઓ આગળ વધી. નહેરો વિસ્તરી, બજેટ વધ્યાં અને વચનો પણ. એના પગલે પગલે આરોપો આવ્યા. કહેવાતા સિંચાઈ કૌભાંડની ચર્ચા 2010ના દાયકામાં ગાજતો મુદ્દો બની રહી. ₹70,000 કરોડનો કડદો થયાના આક્ષેપો થયા. પણ અજિતદાદાએ એ આંકડાને કપોળકલ્પિત ગણાવ્યા અને વારંવાર કહ્યું કે સમગ્ર સિંચાઈનું બજેટ જ આટલું નહોતું.

પછી તપાસ ચાલી. અમુકમાં ક્લીનચીટ મળી. અમુક અનિર્ણિત રહી. 2012માં રાજકીય દબાણ હેઠળ તેમને ઉપમુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું. પરંતુ બહુ જલદી તેઓએ કમબેક પણ કર્યું. એમનું સફળ પુનરાગમન કોઈ પણ તપાસ કરતાં મહારાષ્ટ્રના રાજકારણ વિશે ઘણું વધારે કહી ગઈ. સમર્થકોના મતે અજિતદાદા સામે થયેલા આક્ષેપો એમની છબિ ખરડવા માટેનાં પ્રપંચથી વધુ કશું નહોતું. અને રાજકારણ માટે જેમ કાયમ કહી શકાય એમ, એ આખા વિવાદની વચ્ચે ક્યાંક સત્ય રહ્યું હશે. 

રાજકીય રીતે અગત્યનું એ હતું કે અજિત પવાર ચૂંટણીમાં અજેય રહ્યા. તેઓ સૌમ્ય નહોતા. તેઓ સૌમ્ય હોવાનો દેખાવ પણ કરતા નહોતા. 2013માં દુકાળ વખતે, ડેમમાં “પેશાબ કરું?” એવી એમની ટિપ્પણીની સખત નિંદા થઈ પણ એક વાત સ્પષ્ટ થઈ ગઈ: અજિતદાદામાં બિનજરૂરી, ઔચિત્યને અનુસરીને લોકભ્રમ સર્જતી સહનશીલતા નહોતી. તેઓ બનાવટી વાતો કહેનારા નહોતા. જે છે એ આ છે એમનો અભિગમ હતો. 

તેમનાં ભાષણો કામચલાઉ રહેતાં અને ગપગોળા કે તાલીબાજ નિવેદનો એમાં ભાગ્યે જ જોવા મળતાં. ક્યારેક તે એમનાં ભાષણ સાવ ઉપરછલ્લાં અને લઘુતમ પ્રેરણાદાયક લાગતાં પણ તો શું? અગત્યનું એ હતું કે અજિતદાદામાં પ્રશાસનિક શક્તિ હતી અને એ એમની ખરી તાકાત હતી. સરકારી ફાઇલ્સને કેવી રીતે ન્યાય આપવો, ચાવીરૂપ વ્યક્તિ સાથે કેવી રીતે પનારો પાડવો અને પોતાની વાત સામી વ્યક્તિને પહોંચાડીને એનો ઉકેસ કેવી રીતે લાવવો એ અજિતદાદા બહ સારી રીતે સમજતા અને અમલમાં મૂકતા હતા. તેથી જ, ભાષણો કરતાં તેઓ, વ્યક્તિગત કે ફોન પર વન ટુ વન થતા વાર્તાલાપના બાદશાહ બની રહ્યા. એનાથી તેમની રાજકીય વગ સિદ્ધ થઈ. 

અજિતદાદાએ છ વખત ઉપમુખ્ય પ્રધાનપદ પર સેવા આપી. મહારાષ્ટ્રના ઇતિહાસમાં કોઈ વ્યક્તિ આ પદ પર સૌથી વધુ બિરાજી હોય તો એ અજિતદાદા. પૃથ્વીરાજ ચવાણ, દેવેન્દ્ર ફડણવીસ (વિવાદાસ્પદ 80 કલાકના શાસનમાં), ઉદ્ધવ ઠાકરેની મહા વિકાસ આઘાડીમાં અને 2023થી ફરી ફડણવીસના નેતૃત્વની સરકારમાં તેઓ આ પદે રહ્યા. આ તમામ અવસરે તેઓને નિર્ણાયક ખાતાં પણ મળ્યાં. સિંચાઈ, નાણાં, આયોજન, એક્સાઇઝ,  ગ્રામવિકાસ એમાં સામેલ હતાં. એ એમના ગ્રહ કે જીવનમાં ક્યારેય સર્વોચ્ચ પદે તેઓ નહીં પહોંચ્યા. એમની આ અધૂરી મહત્વાકાંક્ષા હવે કાયમ માટે અધૂરી રહી ગઈ. 

ફડણવીસનું, નવેમ્બર 2019નું 80 કલાકનું શાસન અજિતદાદા માટે હાંસીની ઘટના પણ બની રહી. પરંતુ એ ઘટનાએ તેમની રાજકીય સૂઝબૂઝ અને એમના ડીએનએને પણ રજૂ કર્યું. રાજકીય પ્રગતિ માટે જરૂર પડ્યે અઘરા કે અણગમતા નિર્ણયો લેવા પડે એ એમની માન્યતા હશે એ ત્યારે દેખાયું. પણ, એ ઘટના તેમના માટે રાજકીય અંત બની નહીં. ઊલટાનું, એ પછી તેઓ વધુ બળુકા નેતા તરીકે સામે આવ્યા. 

જુલાઈ 2023માં અજિત પવારે જીવનનું સૌથી નિર્ણાયક પગલું ભર્યું. તેમણે એનસીપીમાં ભંગાણ કરાવ્યું. 41 વિધાનસભ્યો સાથે તેઓએ અલગ ચોકો બનાવ્યો. ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાની સાથે હાથ મિલાવીને તેઓ સત્તાસ્થાને આવ્યા. કાકા શરદ પવારનું સંગઠન એ સાથે ક્ષીણ પડ્યું. ઓછામાં પૂરું, ચૂંટણી પંચે અજિત પવારના જૂથને પક્ષનું અસલ નામ અને ચિહ્ન પણ આપ્યાં. 

આ અજિત પવાર હતા. ગણતરીમાં પૂરા. બિનજરૂરી સંવેદનાઓથી અલિપ્ત. એમનો વિચાર ચોખ્ખો હતોઃ સત્તા મળી શકતી હોય તો શાને વિરોધ પક્ષમાં બેસવું?

શરદ પવાર અને અજિત પવારનો સંબંધ એક પેઢીની મહારાષ્ટ્રના રાજકારણનું અગત્યનું અંગ રહ્યો. કાકા-ભત્રીજા વચ્ચે વરસો સુધી સાયુજ્ય રહ્યું. શરદ પવાર દીર્ઘવિચારી તો અજિતદાદા એમના વિચારોના ઇફેક્ટિવ અમલકર્તા બની રહ્યા 

છતાં, બેઉ વચ્ચે કશેક તણાવ પણ રહ્યો જ હશે. કાયમ નહીં તો પાછલાં થોડાં વરસોમાં રહ્યો હશે. અજિતદાદા ઉપનેતા બનવા માગતા નહોતા. શરદ પવારને વારસાની ચિંતા રહી. જોકે અજિતદાદાના આકસ્મિક અવસાન પહેલાં બેઉ વચ્ચે ફરી સમાધાન થવાના સંકેત સર્જાયા. રાજ્યની મહાનગરપાલિકાઓ સહિતની ચૂંટણીમાં એનું પ્રથમ પ્રકરણ પણ લખાયું. છતાં, વિધિને કંઈક જુદું જ મંજૂર હશે… 

અજિત પવારના અવસાનથી પવાર પરિવારમાં અને મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ખાલીપો સર્જાયો છે. ખાસ કરીને અજિતદાદાની એનસીપીમાં હાલમાં કોઈ સ્પષ્ટ ઉત્તરાધિકારી દેખાતો નથી. એમની જગ્યા કોણ લઈ શકે? તેમનાં જીવનસંગિની સુનેત્રા પવાર નહીં. દીકરા પાર્થ કે જય પવાર પણ નહીં. કોઈ સાથી રાજકારણી પણ નહીં. કારણ એકમાત્ર અજિતદાદા એવા રહ્યા જેઓએ નિમ્ન સ્તરના, આમ આદમીથી લઈને સર્વોચ્ચ સ્થાને બિરાજતા જણ સાથે સુસંગતતા કેળવવાની આગવી કળા હસ્તગત કરી હતી. બેશક, એમની મહેનત સાવ એળે નહીં જાય. વરસોની મહેનતથી તેમણે સર્જેલું નેટવર્ક એકઝાટકે અદ્રશ્ય નહીં થાય પણ એ નબળું પડી શકે છે ખરું. 

ભવિષ્ય તરફ જોઈએ તો મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણા ફેરફાર શક્ય છે. ટૂંકા ગાળા માટે મહાયુતિ સરકાર અજિતદાદાની વિદાયથી અસ્થિરતા અનુભવી શકે છે. અજિતદાદા વિના પક્ષના નેતાઓ નબળા પડી શકે છે. એમને ફાળવાયેલાં ખાતાં કોને ફાળવવાં એ વિશે મતમતાંતર અને ખેંચતાણ થઈ શકે છે. મધ્યમ ગાળામાં પશ્ચિમ મહારાષ્ટ્ર અંકે કરવા રાજકીય પક્ષો વચ્ચે લડત સંગીન થશે. ખાંડ કારખાનાં, સહકારી સંસ્થાઓ. ગ્રામ્ય સ્તરે આધિપત્ય માટે આયૂધો બહાર નીકળી શકે છે. મેદાન હવે ખુલ્લું છે. અને દીર્ઘકાળ તરફ જોઈએ તો અજિતદાદાનું અવસાન રાજ્યમાં એક આગવી રાજનીતિના અંતનો આરંભ બની શકે છે. એમની રાજનીતિમાં જે ખૂબીઓ રહી એ બીજા કોઈની રાજનીતિમાં દેખાશે એવી શક્યતા પાંખી છે. 

મહારાષ્ટ્ર આવા કુશળ સંચાલક વિના ચાલી શકે છે કે નહીં તે પણ મોટો પ્રશ્ન છે. માન્યું કે અજિત પવાર સંત નહોતા પણ તેઓ પોતાના કાર્યમાં કાબેલ હતા. વિવાદોએ સતત તેમનો પીછો કર્યો પણ વિવાદો એમને ક્યારેય નામશેષ નહીં કરી શક્યા. તેમની ગેરહાજરીમાં પણ, બેશક, મહારાષ્ટ્ર આગળ વધશે, પોતાનો માર્ગ શોધી લેશે પણ અજિતદાદા વિના એના આયામ અલગ હશે. કારણ અજિતદાદા પોતાની પાછળ એક અકળ મૌન મૂકતા ગયા છે જે ભલભલાના ચોટદાર ભાષણો કરતાં વધુ તીવ્ર અને બોલકું રહેવાનું છે. 

મહારાષ્ટ્રએ એમના એક સૌથી દમદાર સંચાલકને ગુમાવ્યા છે એ વાત દીવા જેવી ચોખ્ખી છે. અલવિદા, અજિતદાદા.

Subscribe Deshwale on YouTube

Join Our Whatsapp Group

Share.

Editor in Chief. CMD, Mangrol Multimedia Ltd.

Leave A Reply

Exit mobile version