લગ્નની વિધિમાં હસ્તમેળાપની વિધિનું સૌથી વધારે મહત્ત્વ રહેલું છે, માટે જ આ વિધિ કરવા માટે ખાસ મુહૂર્ત કાઢવામાં આવે છે. શુભ સમયમાં કરેલી આ વિધિ નવદંપતીના પૂરા લગ્નજીવન પર સકારાત્મક અસર કરતી હોય છે. કેવી રીતે તે શક્ય બની શકે તે હવે આપણે જોઈએ.
હસ્તમેળાપ:
આજના આધુનિક યુવક-યુવતીઓને વૈદિક વિધિથી લગ્ન કરવાનું ઘણીવાર કંટાળાજનક લાગે છે. ઝડપી કોર્ટ મૅરેજ કરી ટૂંકમાં પતાવવાની એમની ઇચ્છા હોય છે, પરંતુ આમ બધું ટૂંકમાં પતાવવાની લહાયમાં ઘણીવાર ઘણાનાં લગ્નજીવન પણ ટૂંકા થઈ જાય છે. સર્વસંમતિથી અને શાસ્ત્રોક્ત વિધિથી કરેલાં લગ્ન વિધિ વગર કરેલાં લગ્ન કરતાં વધુ ટકે છે એવું અવારનવાર તમે વાંચતા જ હશો.
શુભ સમયમાં, ખાસ મંત્રોચ્ચાર સાથે અગ્નિરૂપી શક્તિની હાજરીમાં પ્રથમવાર વર અને કન્યાનો હાથ એકબીજા સાથે જોડાય ત્યારે ઘણી ઘટના બનતી હોય છે. નૂતન વર્ષાભિનંદનના લેખમાં તમે વાંચ્યું કે હાથના પંજામાં કેટલી ઊર્જા હોય છે. આ ઊર્જાના સ્પંદન વાતાવરણમાં વેડફાઈ જાય એના કરતાં આપણા જ શરીર અને મનને કામ લાગે તે માટે અભિવાદન કરતી વખતે આપણે બે હાથ જોડીને નમસ્તે કરતા હોઈએ છીએ કે પછી પૂજા-પ્રાર્થના દરમિયાન પણ આપણે બે હાથ જોડેલા રાખીએ છીએ.
હસ્તમેળાપ વેળા વરકન્યા એકબીજાનો હાથ ગ્રહણ કરે છે ત્યારે બન્નેની ઊર્જા એકબીજામાં ભળી સમત્વ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. જે રીતે શ્રીફળ વિધિ પતિ-પત્ની બન્નેના મનના તરંગોને એકરૂપ કરવામાં મદદ કરે છે એ જ રીતે હસ્તમેળાપ બન્નેની શારીરિક ઊર્જાને એકરૂપ કરવામાં સહાય કરે છે.
આજે તો લગ્ન પહેલાં જ શાળા-કૉલેજમાં સાથે ભણતાં છોકરા-છોકરીઓ ‘શેક-હેન્ડ’ કરતા હોય છે, પરંતુ વેદકાળમાં બ્રહ્મચર્યાશ્રમ દરમિયાન છોકરા છોકરીઓને એકસાથે ભણાવતા નહીં. પ્રથમ પચ્ચીસ વર્ષ વિજાતીય પાત્રથી દૂર રહેલા સ્ત્રી-પુરુષો માટે લગ્ન સમયનો હસ્ત સ્પર્શ ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવતો. તે સમયમાં હસ્તમેળાપ વખતે સ્ત્રી-પુરુષનું એટલું સુંદર સંયોજન થતું કે તેઓ ખરા અર્થમાં સમદુઃખીયા કે સમસુખિયા બનીને રહેતા હતા તે એટલે સુધી કે ઘણા કિસ્સામાં પતિ-પત્નીનું આયુષ્ય પણ સરખું થઈ જતું. ભૂતકાળમાં સતી થવાનો રિવાજ હતો જ નહીં, પણ આપોઆપ સતી થઈ જવાની ઘટના ક્યાંક ક્યાંક બન્યાનું વર્ણન છે.
અત્યારે કપોળકલ્પિત લાગતી વાતો તે જમાનામાં સત્ય હોઈ શકે. જેમ ગરમ પાણીને ઠંડા પાણી સાથે મેળવવામાં આવે તો ગરમ પાણી પોતાની ગરમી ગુમાવે છે, જ્યારે ઠંડું પાણી ગરમી મેળવે છે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલે છે, જ્યાં સુધી બન્ને પાણીનું ઉષ્ણતામાન સરખું થઈ જાય. આ જ રીતે ઊંચી સપાટી પર મુકાયેલા પાણીના વાસણને નીચલી સપાટી પર મુકાયેલા પાણીના વાસણ સાથે પાઇપથી જોડવામાં આવે તો થોડી જ વારમાં બન્ને વાસણમાં પાણીની સપાટી એકસરખી થઈ જાય છે. પતિ-પત્ની વચ્ચે, તન, મન અને આત્માનું જોડાણ વિશુદ્ધ પ્રેમની પાઇપલાઇનથી થયું હોય તો બન્નેના આયુષ્ય સરખાં થવાં વેદકાળમાં સહજ વાત હતી. આવા કિસ્સામાં એક પાત્રનું મરણ થાય તો બીજું પાત્ર આપોઆપ કુદરતી મરણ પામી શકે છે. સારસ નામના પક્ષીની બેલડીમાં તો હજુ આજે પણ આ તથ્ય જોવા મળે છે. મનુષ્યોમાં પણ, આજે ભલે હસી નાખવા જેવી બાબત લાગે પણ ભૂતકાળમાં આવું બન્યું હોય તો નવાઈ ન કહેવાય. ભૂતકાળમાં સતી થવાની ઘટના આપોઆપ બનતી હોય કે પત્ની સ્વેચ્છાએ સતી બની હોય તેવા દાખલા બન્યા છે, પરંતુ સતી ફરજિયાત થવું જ જોઈએ એવો કોઈ નિયમ કે રિવાજ કોઈ શાસ્ત્રોમાં જોવા મળતો નથી. કાંચીના જગદગુરુ શંકરાચાર્ય શ્રી જયેન્દ્ર સરસ્વતીએ તો એક પુસ્તકમાં જણાવ્યું છે કે વિધવાઓએ કેવા નિયમ પાળવા એનું વર્ણન ક્યાંક ક્યાંક શાસ્ત્રોમાં જોવા મળે છે. જો સતી થવાનો રિવાજ ફરજિયાત હોત તો વિધવાએ પાળવાના રિવાજ હોત જ નહીં. કારણ કે વિધવા હોત જ નહીં. ટૂંકમાં સતી થવાનો રિવાજ શાસ્ત્રોની દેણ નથી, પરંતુ વર્ણાશ્રમનું જેમ ખોટું અર્થઘટન થયું એ જ રીતે સતી થવાની ઘટનાને કેટલાક સ્વાર્થી કે ઝનૂની લોકોએ રિવાજ બનાવી તેનું ખોટું અર્થઘટન કર્યું હોય તેવી શક્યતા વધુ છે. બાકી સતી થવાના રિવાજને ક્યારેય માન્યતા શાસ્ત્રો દ્વારા મળી નથી અને આપોઆપ જ જે ઘટનાઓ બનતી હોય એને આપણે શું કુદરત પણ રોકી શકતી નથી.
હવે મૂળ વાત પર પાછા આવીએ તો આજે પણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા વર-કન્યાનો હસ્તમેળાપ કરાવીએ તો બન્નેના તન-મનનું ઐક્ય સાધવામાં મદદરૂપ તો થાય જ ઉપરાંત નાની નાની વાતમાં થતા છૂટાછેડાનું પ્રમાણ ઘટી શકે ખરું.
હસ્તમેળાપ વખતનું મુહૂર્ત, તે વખતે થતો યજ્ઞ, યજ્ઞમાં હોમાતી વસ્તુઓ, હળદર-કંકુનો વપરાશ, પૂજાપાઠના ચાંદી કે તાંબાના વાસણો, યોગ્ય મંત્રોનો ઉચ્ચાર, મંગલાષ્ટક, મંગળસૂત્ર, નાડાછડી, ગ્રહશાંતિ, રેશમી વસ્ત્રોનો જેમ કે જરકશી જામા કે પાનેતરનો વપરાશ. આ બધી ચીજો કે ક્રિયાઓ વાતાવરણમાં રહેલી પરમશક્તિના હકારાત્મક તરંગોને કેવી રીતે સ્થળ પર ખેંચી લાવે છે તે આપણે અગાઉના ઘણા પ્રકરણોમાં જોઈ ચૂક્યા છીએ. આવા દિવ્ય વાતાવરણમાં બે જીવને એક કરવામાં આવે તો લગ્નજીવનની સફળતાની તક વધી જાય એમાં કોઈ બેમત નથી.
જાપાનના પ્રોફેસર ડૉ. સમારૂ ઈમોટોએ પાણી પર ઘણા પ્રયોગ કર્યા છે. તેમના મત મુજબ શુદ્ધ ભાવથી કરેલી પ્રાર્થના પાણીના સ્ફટિકોમાં સમતોલ અને સુંદર છાપ ઉપસાવે છે, જ્યારે નકારાત્મક વિચાર કે શબ્દોથી પાણીના સ્ફટિક અસ્તવ્યસ્ત થઈ જાય છે. વળી, આ વાત તેમણે પાણીના માઈક્રોસ્કોપ ફોટા લઈને સાબિત પણ કરી હતી. મંગલાષ્ટક શુદ્ધ મંત્રોચ્ચારમાં શુદ્ધ અને કલ્યાણકારી વચનો જ હોય છે. આપણા શરીરમાં પણ ૬૫થી ૭૦ ટકા પાણી જ વિવિધ સ્વરૂપમાં હોય છે. વળી, ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ પાણી પર ચંદ્રની અસર થતી હોય છે અને ચંદ્ર મન પર પણ અસર કરતો હોય છે. મંગલાષ્ટકથી અને ગ્રહશાંતિથી વર-કન્યાના શરીર પર અને મન પર પ્રભાવ પડતો હોય છે. મંગલાષ્ટકમાં શુદ્ધ ભાવની પ્રાર્થના જ નહીં, સુંદર રાગ અને તાલ પણ હોય છે.
આજની પેઢીને લગ્નમાં મેકઅપ કરવા માટે સમય મળી જાય છે. રિસેપ્શનમાં કલાકો સુધી ઊભા રહેવામાં વર-કન્યાને સમયનો વેડફાટ નથી લાગતો, પણ વિધિમાં બેસવાનું ખૂંચે છે. ઘણા તો મહારાજને શોર્ટકટમાં વિધિ પતાવવાનું કહેતા હોય છે. આજે લગ્નો ‘સંસ્કાર’ નથી રહ્યા ફક્ત ભપકો અને દેખાવ કરવાનાં સાધનો બની ગયાં છે. હસ્તમેળાપનું મુહૂર્ત જ માંડ માંડ સચવાય છે. બે આત્માનું મિલન થતું હોય ત્યારે વડીલો કે ગોર મહારાજ એક પછી એક સુંદર મંગલાષ્ટકો ગાઈને બન્નેના જીવનમાં સુખ, શાંતિ અને સંવાદિતા સધાય તેવા પ્રયત્નો કરતા હોય એમાં શોર્ટકટ આવી જાય છે. વિધિ બરાબર થઈ કે નહીં તેની કોઈને પડી હોતી નથી. લગ્ન સમારંભમાં ભોજન બરાબર છે કે નહીં? આઇસ્ક્રીમ રાખ્યો છે કે નહીં એવી ગૌણ વાતો વધારે મહત્ત્વની બની ગઈ છે.
જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.

