દરેક મા-બાપ પોતાના સંતાન માટે ખોરાક, પાણી અને સ્વાસ્થ્યની દરકાર રાખતાં હોય છે. તદુપરાંત સંતાનની ઇચ્છાઓને પૂરી કરવાના તમામ પ્રયાસ પણ કરતાં હોય છે. આ જ રીતે શ્રીફળ તમને ખોરાક, પાણી અને ઔષધિ તત્ત્વો તો પૂરાં પાડે જ છે, વધારામાં દરેક ધાર્મિક કે સામાજિક પ્રસંગમાં હાજર રહી એક વડીલની માફક તમારાં સંકલ્પો અને શુભકાર્યોને પાર પાડવામાં સહાયરૂપ થાય છે. આપણાં શાસ્ત્રોમાં સૂકા શ્રીફળને, તેના આકાર, વાળ જેવા રેસાઓની ચોટલી અને ત્રણ ચકો૨ આંખોને કારણે મનુષ્યના મસ્તકની ઉપમા આપવામાં આવી છે. વળી તેના અંદરના શૂન્યાવકાશમાં શુદ્ધ વીજભાર ધરાવતા સોડિયમ, પૉટેશિયમ ક્લોરાઈડ યુક્ત પાણી રહેલું છે. જે શુભ સંકલ્પોને અત્યંત બળવાન બનાવી તેને ફળીભૂત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. વિચારોને બળવાન બનાવી ધાર્યું કાર્ય કરી શકાય છે તે આજનું વિજ્ઞાન પણ પુરવાર કરે છે. થોડા સમય પહેલાં જ અમેરિકાની એક જનરલ હૉસ્પિટલમાં ડૉ. હોચબર્ગ અને ન્યૂરોટેક્નૉલૉજીના પ્રો. જ્હોન ડૉનોહ્યુની ટીમે એક લકવાગ્રસ્ત વ્યક્તિ જે લખી કે બોલી શકતી ન હતી તેના મગજમાં ઇલેક્ટ્રોડ્સ મૂકી તેના વિચારોને વધુ પાવરફૂલ બનાવી કૉમ્પ્યુટરની સ્ક્રીન પ૨ લખાણ દ્વારા પ્રદર્શિત કરવામાં પૂરી સફળતા મેળવી હતી. આ જ રીતે એન્ટેના જેવી શ્રીફળની ચોટલી અને આયર્નયુક્ત પાણી કુદરતી ઇલેક્ટ્રોડ્સ જેવું કામ કરે છે. એ તમારા વિચારોને બળવાન બનાવી દિવ્ય શક્તિ (દેવ-દેવી)ઓના માનસપટ પર અંકિત કરે છે. વિવિધ ધાર્મિક કાર્યોમાં આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી શ્રીફળ કેવી રીતે કાર્ય કરે છે તે હવે આપણે જોઈએ.

નવી જગ્યાએ કુંભ મૂકવો:

આપણે નવું ઘર, ઑફિસ કે દુકાનનું ઉદ્ઘાટન કરવાનું હોય ત્યારે કુંભ મૂકવાની વિધિ કરીએ છીએ. નવી જગ્યાએ પૂજા કરીને ઘરમાં સુખ શાંતિ વધે અથવા તો ઑફિસ અને દુકાનમાં સમૃદ્ધિ વધે તેવા સંકલ્પ સાથે તાંબાના લોટા કે માટીના ઘડા પર શ્રીફળ મૂકો છો ત્યારે તેની એન્ટેના જેવી ચોટલી તમારા સંકલ્પોને ખેંચી લઈ પોતાની અંદર ઉતારે છે. સાધારશ પાણીમાં પણ સારા વિચારોની સુંદર છાપ અંકિત થતી હોય છે તેવું વિજ્ઞાનની રીતે અગાઉના પ્રકરણમાં આપણે જાણ્યું હતું, તો શ્રીફળનું આ ચાર્જયુક્ત પાણી તો તમારા વિચારને કોઈપણ જાતનાં અવરોધ કે અશુદ્ધિ વગર અંકિત કરી વધુ અસરકારક બનાવે છે અને વાતાવરણમાં કેલાવે છે. શ્રીફળની ત્રણ આંખો પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ આંખો એટલે શ્રીફળનું સેન્સર બોર્ડ. જેમ ટેલિવિઝનનું એન્ટેના કે કેબલ સારા-નરસા દરેક ચૅનલના તરંગો ઝીલે છે પરંતુ તમારે અમુક કાર્યક્રમો બાળકને ન દેખાડવા હોય તો તે ચૅનલને બ્લૉક કરી શકાય છે. આ જ રીતે શુભ તરંગો તો શ્રીફળની અંદર જઈ શકે છે, જ્યારે હાનિકારક તરંગોને તેની આંખો પારખી જઈ અંદર જતાં અટકાવે છે સાથે વાતાવરણમાં ફેલાતાં પણ રોકે છે. આ શ્રીફળ પૂજાસ્થાને રાખતાં સમગ્ર વર્ષ દરમિયાન તમે લીધેલા ઘરના કે ધંધાના નિર્ણયોને શુભત્વ પ્રદાન કરે છે. પાણી ભરેલા કુંભ પર મૂકેલું શ્રીફળ અંકુરિત થઈ જાય તો તે વધુ જીવંત બની વધુ લાભકર્તા બને છે. તેને બદલવાની જરૂર નથી, પણ જો ન ઊગે તો એક વર્ષ બાદ શ્રીફળ બદલી દેવું જોઈએ. જગ્યાના અભાવે શ્રીફળ અગર લાલ કપડામાં બાંધીને રાખતા હોવ તો તેને પણ દર વર્ષે બદલી નાખવું જરૂરી છે.

પૂજાની સ્થાપન વિધિ:

દરેક મોટી પૂજાઓમાં દેવદેવીઓના સ્થાપન હેતુ શ્રીફળ જ એવું એકમાત્ર ફળ છે, જેનો ઉપયોગ થાય છે. શાસ્ત્રોમાં શ્રીફળને લક્ષ્મીનું નિવાસસ્થાન ગણાવ્યું છે. આવા શ્રીલક્ષ્મીના વૈભવી નિવાસસ્થાનમાં પધારવાનું આમંત્રણ મળે તો ક્યા દેવને આવવાનું મન ન થાય? માટે સ્થાપના વિધિમાં શ્રીફળ જ ઉપયોગમાં લેવાય છે. હવે વિજ્ઞાનની રીતે શ્રીફળ શું ભાગ ભજવે છે તે જોઈએ. તમને ખબર હશે કે ‘સોનોગ્રાફી’ કરાવતી વખતે ડૉક્ટર વધુને વધુ પાણી પીવાનું કહે છે, જેથી મૂત્રાશયમાં ક્ષારયુક્ત પાણી જમા થાય. મૂત્રાશયમાં પૂરી રીતે ભરાયેલું ક્ષારયુક્ત પાણી આજુબાજુના અવયવોના આકારને વધુ સારી રીતે સ્પષ્ટ બનાવવામાં ઉપયોગી બને છે. જેથી નિદાન કરવામાં સરળતા રહે છે. આ જ રીતે સ્થાપન વખતે શ્રદ્ધાપૂર્વક અને શુદ્ધ હૃદયથી દેવદેવીઓના સ્વરૂપના વર્ણન સાથે આવાહન મંત્ર બોલાય કે પ્રાર્થના કરાય તો તે શ્રીફળમાં રહેલા વીજભાર ધરાવતા ક્ષારયુક્ત પાણીમાં પ્રવેશી વધુ બળવાન તો બને જ છે ઉપરાંત સોનોગ્રાફીના ચિત્રની જેમ વિચારોને વધુ સુસ્પષ્ટ આકાર પણ આપે છે, જે આરાધ્ય દેવદેવીની શક્તિને સ્થાપનના સ્થાન સુધી ખેંચી લાવે છે, જેથી ત્યાંનું વાતાવરણ દિવ્યશક્તિથી ચૈતન્યમય બની જાય છે અને આપણે કરેલા પૂજાપાઠ પૂર્ણ રીતે લાભદાયી બની રહે છે. આમ, શ્રીફળ આરાધ્ય દેવ અને ભક્ત બન્‍નેને જોડતી કડી સમાન છે.

ચાંદલાવિધિમાં શ્રીફળ કેમ વપરાય છે?

આપણે ત્યાં ચાંદલાવિધિ વખતે કન્યા પક્ષના વડીલો વરના હાથમાં શ્રીફળ આપે છે. તેમાં પણ વિજ્ઞાન રહેલું છે. કન્યાના વિચાર તરંગોને શ્રીફળ ગ્રહણ કરી લઈ વરના ઘરે પહોંચે છે અને અલગ અલગ સ્થિતિમાં ઊછરેલાં વર અને કન્યા બન્‍ને માટે સુમેળભર્યું વાતાવરણ બનાવવાનું કામ કરે છે. જૂના સમયમાં બાહ્ય દેખાવ કરતાં વિચારોની સામ્યતાને વધુ મહત્ત્વ અપાતું હતું. માત્ર રૂપરંગના આકર્ષણના જોરે થતાં લગ્નમાં પણ જો પછી મનમેળ ન સધાય તો લગ્નજીવન ભાંગી પડવાની શક્યતા રહે છે. કન્યા સાસરે પહોંચે એ પહેલાં શ્રીફળ ત્યાં પહોંચી જઈ શ્વસુરગૃહમાં તાલમેલ સાધતું વાતાવરણ સર્જતું હતું. આવી ધાર્મિક ક્રિયાથી કરેલાં લગ્નમાં વર-કન્યાએ એકબીજાને ન જોયેલાં હોવા છતાં પણ ટકી જતાં હતાં અને વૈચારિક પ્રક્રિયા સમાન થવાના કારણે સફળ પણ જતાં હતાં.

આજના સર્વેક્ષણ મુજબ પણ કોર્ટકચેરી કે પ્રેમલગ્ન કરતાં ધાર્મિક વિધિ વિધાનથી થયેલાં લગ્નો વધુ સફળ નીવડે છે. આજના ફાસ્ટ યુગમાં કન્યાના વડીલો બજારમાંથી શ્રીફળ ખરીદી તરત જ વર પક્ષને આપી દેતા હોય છે, જે યોગ્ય નથી. ખરેખર તો આગલા દિવસે શ્રીફળ લાવી તેનું કન્યાના હાથે શુભ ભાવથી સંકલ્પ સહિત પૂજન કરાવ્યા પછી જ વિવાહના દિવસે વરના હાથમાં આપવું જોઈએ જેથી કન્યાના વિચારો શ્રીફળમાં સમાઈ શકે અને વરના વિચારો સાથે એકરૂપતા સાધી શકે. આ રીતે કરાયેલી વિધિનું જ મહત્ત્વ છે.

શ્રીફળ શા માટે વધેરવામાં આવે છે?

જ્યારે કોઈ સંકલ્પ સાથે તમે શ્રીફળ લઈને મંદિરમાં વધેરો છો ત્યારે તમારી મનોકામના જે શ્રીફળના પાણીમાં સંચય થયેલી હોય છે તેના તરંગો છૂટા પડીને મંદિરના જાગૃત દેવની મૂર્તિ સુધી પહોંચે છે, જે તમારી ભલામણચીઠ્ઠી જેવું કામ કરે છે. આ સાથે ભગવાનને ધરાવેલું અડધું શ્રીફળ જે તમે ઘરે લઈ જાવ છો અને પ્રસાદરૂપે ગ્રહણ કરો છો તેમાં ઈશ્વરીય શક્તિના આશીર્વાદ ભરેલા હોય છે, જે તમારા માટે મંગલમય અને કલ્યાણકારી બને છે. આપણે માનતા રાખેલા શ્રીફળને ભગવાનને ચઢાવીએ કે વધેરીએ તેમાં આપણી પૂર્ણ થયેલી ઇચ્છા કે સંકલ્પને પ્રભુના ચરણમાં અર્પણ કરવાની કે બ્રહ્માંડના અનંત અવકાશમાં મુક્ત કરી દેવાની જ ક્રિયા રહેલી છે.

યજ્ઞમાં શ્રીફળ હોમવાનું મહત્ત્વ કેમ?

યજ્ઞમાં, તમારા હાથમાં રહેલું શ્રીફળ તમારી પ્રાર્થના કે સંકલ્પને ઝીલી લે છે પછી જ્યારે તમે એને અગ્નિમાં હોમો છો ત્યારે તે બળીને ભસ્મ થાય છે. આ પ્રક્રિયામાં શ્રીફળમાંથી નીકળતા વાયુઓ આરોગ્યની દૃષ્ટિએ તો ફાયદો કરે જ છે સાથેસાથે તમારી પ્રાર્થનાના તરંગો આ વાયુના તરંગો પર સવાર થઈ પરમ શક્તિ સુધી પહોંચે છે. આ શક્તિ તમારા સંકલ્પને અનુરૂપ સંજોગો નિર્માણ કરવામાં મદદરૂપ થાય છે. જેમ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને તમારા શબ્દોને દૂર સુધી પહોંચાડી શકો છો. આ જ રીતે શ્રીફળ તમારા વિચારોને ‘લાઉડ સ્પીકર’ બની દૈવી શક્તિઓ સુધી પહોંચાડે છે. શ્રીફળ પોતાનું બલિદાન આપીને શારીરિક રીતે તો ફાયદો કરે છે ઉપરાંત તમારી ઇચ્છા-આકાંક્ષાઓની પૂર્તિ પણ કરે છે. હાથીની જેમ જ શ્રીફળ જીવતું લાખનું અને બલિદાન પછી સવા લાખનું બની જાય છે.

આમ, ખોરાક, પાણી, દવાની સાથેસાથે શ્રીફળ તમારી ઇચ્છાપૂર્તિ કરવામાં પણ જીવનમાં ડગલે ને પગલે સાથ આપે છે. આથી જ આપણે નાળિયેરીને કલ્પવૃક્ષ તરીકે નવાજીએ છીએ.

જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.

Share.
Leave A Reply

Exit mobile version