દાયકાઓ પૂર્વે પુરુષ હોય કે સ્ત્રી, રાજા હોય કે વેપારી, સંત હોય કે સંસારી દરેક ભારતીયોના કપાળ પર તિલક અવશ્ય જોવા મળતું હતું. આજે પણ સમગ્ર વિશ્વમાં હિંદુસ્તાનીઓની ઓળખાણ એટલે પુરુષ કે સ્ત્રીના કપાળ પર ચાંદલાનું હોવું તે છે! શું છે આ તિલક પ્રથા? ચાલો આપણે વિગતવાર જોઈએ.

શરીરનાં અંગોમાં મસ્તકનું સ્થાન અનોખું છે. રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શનું જ્ઞાન ઇન્દ્રિયો અનુક્રમે આંખ, જીભ, નાક, કાન અને ચામડી દ્વારા થાય છે. તે સર્વ ઇન્દ્રિયો મસ્તકમાં સમાયેલી છે. શરીરની સરેરાશ છ ફૂટની લંબાઈમાં માત્ર એક ફૂટ જેટલું મસ્તક આવેલું છે, પરંતુ શરીરની પાંચ કર્મેન્દ્રિયે શું કાર્ય કરવું? કેવું કાર્ય કરવું? અને કેટલું કાર્ય કરવું? વગેરેની તમામ આજ્ઞા મસ્તકમાંથી છૂટે છે. મગજમાંથી છોડાયેલા સંદેશ આપણી બે આંખ વચ્ચે સહેજ ઉપરના સ્થાનમાં રહેલા આજ્ઞાચક્રમાં આવે છે. (આ જ સ્થાનમાં શંકર ભગવાનને ત્રીજું નેત્ર છે) આ સ્થાને વૈજ્ઞાનિકોને પણ જ્ઞાનતંતુઓનાં ગુચળા જોવા મળ્યા છે. આ ચક્રમાંથી આજ્ઞાના રૂપમાં દરેક અવયવને સંદેશા મળે છે. એમ કહોને કે આખા શરીરનું ટેલિફોન એક્સચેંજ અહીં છે, કારણ કે અહીં ગમે ત્યારે ગમે તે અવયવના જ્ઞાનતંતુરૂપી વાયરોમાંથી ઘંટડીઓ વાગ્યા કરતી હોય છે. દરેકની સમસ્યા જાણવી, પછી પાછો એના અનુરૂપ ઉકેલ મેળવી અવયવને વળતો જવાબ આપવો, આ બધું કામ આ આજ્ઞાચક્ર કરે છે, માટે આ સ્થાનને સતત સતેજ રાખવું જરૂરી છે. આ સ્થાને કરેલું ખાસ દ્રવ્યોનું તિલક તેની કાર્યક્ષમતાને વધારવામાં ઉપયોગી બની રહે છે. કોઈ કારખાનામાં કામદારો હોય જે પોતપોતાના ખાતામાં પોતાને સોંપાયેલા કામ કરતા હોય, પણ ત્યાંના મૅનેજર તો બધાં ખાતાંના માણસો જોડે સંદેશા વ્યવહાર રાખીને બધાં ખાતાંઓનું સંકલન કરવું પડે છે ત્યારે જ સાહેબ શેઠે આપેલા લક્ષાંકને તે પાર પાડી શકે છે. તે માટે મૅનેજર હાથ નથી ચલાવતો, પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લઈ, યોગ્ય આયોજન કરવા માટે મગજ દોડાવે છે, તેના જ એમને રૂપિયા મળે છે. તેમની આવક કામદાર કરતાં વધુ હોય છે. એ જ રીતે આજ્ઞાચક્રને આપણે તિલક કરીને થોડું વધું પોષણ – ભથ્થું આપીએ છીએ, જેના માટે તે લાયક છે. માત્ર પોષણ જ શું કામ તમે કરેલા તિલકનું આવરણ ‘દીવાલ’ બની તમારા મસ્તકના આ મુખ્ય ભાગનું રક્ષણ પણ કરે છે. જેમ કારખાનામાં શાંત ચિત્તે મૅનેજરને વિચાર કરવા માટે કેબિન હોય છે, જે બહારનાં યંત્રોના અવાજ કે માણસોના કોલાહલને અંદર પ્રવેશવા દેતા નથી. મૅનેજર એકાગ્રચિત્તે કંપનીના લાભાર્થે સારા નિર્ણય લઈ શક છે.

તમે કરેલા તિલકનું આવરણ તમારા અતિમહત્ત્વના આજ્ઞાચક્રને બહારની અશુદ્ધિ અને નેગેટિવ વિચારના આક્રમણથી રક્ષણ આપે છે. કોઈ કાચની દીવાલ બહારના અવાજને અટકાવે છે. સાથે સાથે બહારથી આવતી તાજી હવાને પણ રોકી દે છે. જ્યારે તિલકમાં વપરાતાં દ્રવ્યો એટલાં વૈજ્ઞાનિક છે કે તે હકારાત્મક વિચારને રોકવાને બદલ આજ્ઞાચક્ર સુધી પહોંચાડવામાં મદદ કરે છે અને તેને પ્રબળ પણ બનાવે છે.

આ જ કારણસર પૂજાપાઠ વખતે કપાળ પર તિલક લગાડવું જરૂરી બની જાય છે. મંત્રોચ્ચાર વખતે વાતાવરણમાંની શક્તિઓ જેને આધુનિક વિજ્ઞાન કૉસ્મિક ઍનર્જી તરીકે ઓળખાવે છે. તેમાંથી હકારાત્મક તરંગોને આજ્ઞાચક્ર સુધી પહોંચાડવામાં તિલક શ્રેષ્ઠ માધ્યમ બની રહે છે. જે રીતે બિલોરી કાચ સૂર્યનાં વેરવિખેર કિરણોને એકત્રિત કરી પ્રચંડ શક્તિ ઉત્પન્‍ન કરે છે એ જ રીતે મસ્તક પરનું તિલક આસપાસની વેરવિખેર શક્તિને આજ્ઞાચક્રમાં કેન્દ્રિત કરી તેને વધુ શક્તિવાન બનાવે છે. વિધિપૂર્વક નિત્ય લગાવેલું તિલક શિવજીના ત્રીજા નેત્ર જેવું બની આંતરચક્ષુને જગાડી શકવાની સમર્થતા ધરાવે છે. એટલે જ ઋષિમુનિ ખોરાક છોડી શકતા હતા, પરંતુ તેમના લલાટ પર તિલક હંમેશા રહેતું હતું. ઋષિમુનિઓએ આ તિલક દ્વારા પોતાના આંતરચક્ષુને જાગૃત કરી તેમણે જે જે નિયમો આપ્યા કે જે શોધો કરી છે તે આજના સમયમાં પણ સનાતન, સચોટ અને સંપૂર્ણ વૈજ્ઞાનિક સાબિત થઈ રહ્યાં છે.

આજનો સામાન્ય માણસ પણ તિલકના વ્યવહારુ ફાયદા ઉઠાવી શકે છે, કારણ કે આજ્ઞાચક્ર મગજના સંદેશવ્યવહાર સંભાળવાનું કાર્ય કરતું હોઈ તે મન અને વિચાર સાથે જોડાયેલું છે. જેથી કપાળ પર કરેલું તિલક આપણા મન અને વિચારને વધુ દૃઢ બનાવવામાં મદદ કરે છે. તિલક સૂક્ષ્મ રીતે મનને શાંત અને નિર્મળ બનાવી એકાગ્રતામાં પણ વધારો કરે છે. તિલક માનસિક ક્ષમતામાં વધારો કરી આજના હરીફાઈ યુગમાં ટકી રહેવામાં મદદરૂપ બને છે. આજની પેઢીના વિદ્યાર્થીઓ ક્યારેક શુભ પ્રસંગે ચાંદલો કરાવતી વખતે મોઢું બગાડતા હોય છે તેમ જ કેટલીક શાળાઓ છોકરા-છોકરીઓને ચાંદલા કરવાની મનાઈ ફરમાવતી હોય છે, તેમને જાણ થાય કે આપણા તિલકનાં ખાસ દ્રવ્યોમાં તો એટલા ગુણ રહેલા છે, જે તેમની બૌધિક ક્ષમતા વધારવામાં ઘણાં જ મદદરૂપ થાય છે. શુદ્ધ દ્રવ્યો વડે વિધિપૂર્ણ કરેલું તિલક શરીર, મગજ, મન અને આત્મા એમ દરેક માટે ઉપકારક બની રહે છે. આ તિલકમાં વપરાતાં દ્રવ્યો કેવા છે તે હવે વિગતવાર જોઈએ.

હળદર:

પીળું એટલું સોનું નહીં એ કહેવત હળદરની બાબતમાં તદ્દન ખોટી પડે છે. આધ્યાત્મિક કે શારીરિક એમ બન્‍ને ક્ષેત્રમાં હળદરનું મહત્ત્વ સોના જેવું છે. હળદર કફ, પિત્ત અને વાયુ ત્રણે દોષમાં ગુણકારી છે. હળદરમાં ૭૦ ટકા કાર્બોહાઇડ્રેટ છે. આવી હળદરને કપાળ પર લગાડવાથી આજ્ઞાચક્ર તેને શોષી લઈ શક્તિ મેળવે છે અને શરીરના દરેક અવયવોને ચુસ્ત અને સ્ફૂર્તિમય રાખવામાં મદદ કરે છે. હળદર કૃમિનાશક છે અને એન્ટિસેપ્ટિક (જંતુનાશક) પણ છે. તેથી શરીરના કોઈ પણ ભાગને ઈજા થાય અને લોહી નીકળે તો હળદર દાબી દેવાથી લોહી બંધ થઈ ઘા જલદી રુઝાઈ જાય છે. અત્યારના સંશોધન પ્રમાણે કરક્યુમિન નામનું તત્ત્વ હળદરમાં રહેલું છે, જે કેન્સર પ્રાથમિક તબક્કામાં હોય તો તેને મટાડી શકવાની શક્તિ ધરાવે છે. શીતળા અને અછબડાનાં ફોલ્લાં કે ચાંઠાં પર લીમડાનાં પાનની ચટણીમાં હળદર મેળવી લેપ લગાડવાથી ઠંડક થાય છે અને જલદી સાજા થાય છે.

હળદરનો લેપ શરીર પર લગાડવાથી બિનજરૂરી વાળ ઊગતા નથી. શરીરની દુર્ગંધ દૂર થાય છે અને ચામડીનો વર્ણ સુધારે છે. આવી હળદરનું નિત્ય તિલક કરવાથી ઘણી આધિવ્યાધિથી બચી શકાય છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં હળદરને હૃદયવિલાસની અને પ્રીતિવર્ધક ગણાવી છે. તેથી જ લગ્ન વખતે વર-કન્યાને પીઠી ચોળવાનો રિવાજ છે. આ પીઠીમાં મુખ્યત્વે હળદર જ રહેલી હોય છે. પ્રીતિવર્ધક ગુણના કારણે જ આરાધ્યદેવના પ્રેમસંપાદન કરવા હેતુ જ પૂજા કે ધાર્મિક કાર્યોમાં હળદરનો વિશેષ ઉપયોગ થાય છે.

હળદરને ચૂનાના પાણીમાં પલાળવાથી લાલ કંકુ બને છે આજે પ્લાસ્ટિકિયા ચાંદલાની ફૅશન વધી રહી છે, પરંતુ કંકુનો ચાંદલો શોભા વધારવાની સાથે સાથે સ્ત્રીઓને અનેક રીતે મદદરૂપ છે. કેવી રીતે મદદરૂપ બને છે તેની વાત તથા તિલકનાં અન્ય દ્રવ્યોની વિગત આવતા પ્રકરણમાં કરીશું.

જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર મુકેશ પંડ્યાના પુસ્તક ‘ધર્મ ભી કભી વિજ્ઞાન થા, હૈ ઓર રહેગા’માંથી સાભાર. દરેક ગુજરાતીએ વસાવવા જેવું આ પુસ્તક છે. ધર્મ અને વિજ્ઞાનના પ્રગાઢ સંબંધોને સચોટ રીતે ઉજાગર કરતી બાબતોનો એ રસથાળ છે.

Share.
Leave A Reply

Exit mobile version